વૈષ્ણવી વેશ

         આપણે ત્યાં માણસના વ્યક્તિત્વની સાથે વસ્ત્રપરિધાનનો મુદ્દો હમેશા જોડાયેલો રહે છે. લગ્ન પ્રસંગે રેશમી અને જરીના કિમતી વસ્ત્રો પહેરવામાં આવે છે, શોકના પ્રસંગે સફેદ કે કાળા વસ્ત્રો પહેરવામાં આવે છે. મિલિટરી અને પોલિસખાતાને પોતનાનો યુનિફોર્મ હોય છે, કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ એમના કર્મચારીઓ માટે ચોક્કસ યુનિફોર્મનો આગ્રહ રાખતા હોય છે. આમ, સામાજિક અને વ્યવસાયિક રીતે પણ અમુક  ચોક્કસ પ્રકારના વસ્ત્રો પહેરવાનો આગ્રહ વિશ્વભરમાં સેવાય છે.

      વિવિધ ધર્મોમાં પણ વસ્ત્રનું મહત્વ છે. પ્રાચીન કાળથી  હિન્દુધર્મમાં ધોતી અને ઉપરણો ધાર્મિક વિધિ માટે કે પુજા-ઉપાસના માટે જરૂરી ગણાયાં છે. ધર્મગુરુઓનો એક વિશિષ્ટ પોષક હોય છે.

      આ બધા પોશાકો પાછળ મનોવિજ્ઞાન કામ કરે છે. માણસને જે પ્રકારનું કામ કરવાનું હોય એને અનુરૂપ માનસિક રીતે તેને પહેલા તૈયાર થવું પડે છે. કામમાં શરીરની સાથે મન પણ જોડાવું જરૂરી છે. એકલું મન જોડાય તે પણ પૂરતું નથી, સાથે સાથે હૃદયની શક્તિ પણ જોડાવી જોઈએ. કામ કરવા માટે ભાવનાનું બળ બહુ જરૂરી હોય છે. આમ માનસિક અને આધ્યાત્મિક બંને બળ જોડાય તો તે કામ સફળ થાય છે અને દીપી ઊઠે છે.

      આપણો પણ એવો જ અનુભવ છે. ભારે કિંમતી વસ્ત્ર પહેરીએ ત્યારે મન આનંદના પ્રસંગમાં મહાલવા તૈયાર થાય છે, શોકને અનુરૂપ વસ્ત્રો પહેરતા જ મન ગંભીર, શોકપૂર્ણ બને છે. શોકના વસ્ત્રો જ્યાં સુધી શરીર પર છે, ત્યાં સુધી આનંદ માણવાનો વિચાર આવતો નથી. આમ  વસ્ત્રોની અને એમના રંગની અસર માણસના મન અને પ્રવુત્તિઓ ઉપર થાય છે.

                                                વૈષ્ણવી વેશ

      આપણા પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવો માટે પરંપરાગત ધોતી-બંદીનો પોશાક છે, સ્ત્રીઓ માટે સાડી-ચોળીનો પોશાક છે. આ પોશાક કેવળ પુષ્ટિમાર્ગમાં જ છે એવું નથી, પ્રાચીન કાળમાં હિન્દુધર્મના બધાજ સંપ્રદાયોના અનુયાયીઓ આ જ પોશાક પહેરતા હતા.

      ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ પહેરવાનાં વસ્ત્રો ધોયેલાં, શુદ્ધ અને પવિત્ર હોવાં જરૂરી છે. વસ્ત્રોની પવિત્રતા માટે શાસ્ત્ર એમ કહે છે કે પહેરવાનું વસ્ત્ર એવું હોવું જોઈએ કે જે માથાથી પહેરાતું ન હોય. વળી એક વસ્ત્રથી ધર્મક્રિયા ન થાય, અઘોવસ્ત્ર એટલે ધોતી અને ઉપવસ્ત્ર એટલે ઉપરણો એમ કમસેકમ બે વસ્ત્ર પહેરવાં જરૂરી છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આ પરંપરા રહી છે. શ્રીમહાપ્રભુજી પણ એ જ પરંપરાને સ્વીકારે છે. ધોતી, બંડી અને ઉપરણો એ પુષ્ટિમાર્ગનો કોઈ વિશિષ્ટ યુનિફોર્મ ન હતો, પરંતુ હિન્દુ સમાજનો સર્વસામાન્ય પોશાક હતો.

      ધોતી-બંડીનો પોશાક ભારત જેવા ગરમ દેશ માટે બહુ અનુકૂળ છે. ગરમીમાં રાહત આપનારો છે. જ્યારે વૈષ્ણવ ધોતી-બંડી પહેરી તૈયાર થાય છે, ત્યારે માનસિક અને ભાવાત્મક રીતે પોતાની વૈષ્ણવતાથી સભાન બને છે.

      ૨૫૨ વૈષ્ણવની વાર્તામાં દયા ભવૈયાની વાર્તા છે. દયારામ નામનો એક ભવૈયો એક રાજાને રીઝવી, ધન કમાવા માટે ગયો. તે રાજા પરમ વૈષ્ણવ હતા. તેઓ અવૈષ્ણવ સામે જોતાં પણ નહીં કે વાત પણ કરતાં નહીં. રાજદરબારમાં દયા ભવૈયાએ પંદર દિવસ સુધી નવા નવા વેષ ભજવ્યા, પણ રાજાએ તેમની સામે જોયું પણ નહીં. દયા ભવૈયા અત્યંત નિરાસ થઈ ગયા. રજાના એક નોકરે દયા ભવૈયાને સલાહ આપી : "અમારા રાજાને વૈષ્ણવો ઉપર ખૂબ પ્રેમ છે, વૈષ્ણવ સિવાય કોઇની જોડે વાત કરતાં નથી." તે દિવસે રાત્રે દયા ભવૈયા ધોતી-બંડી-ઉપરણો પહેરી, ગળામાં બે તુલસીની માળાઓ પહેરી, કપાળમાં તિલક કરી, વૈષ્ણવી વેશ સજી દરબારમાં આવ્યા. રાજાને હાથ જોડી, જાયશ્રીકૃષ્ણ કર્યા. રાજા સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા. દયા ભવૈયાને ભેટી પડ્યા. બહુ આદર સન્માન કર્યું, માગ્યા એટલા  રૂપિયા આપ્યા.

      દયા ભવૈયા ખુશ થઈ, રૂપિયાની થેલીઓ લઈ, અડધી રાતે મુકામ પર પાછા જતાં હતા. રસ્તામાં અવારજવર ન હતી. થોડેક દૂર ગયા પછી એમને એમ લાગ્યું કે કોઈક એમનો પીછો કરે છે. દયા ભવૈયા ઊભા રહ્યા પાછા વળી ને જોયું. પાછળ ચાર સ્ત્રીઓ ઊભી હતી. દયા ભવૈયાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું: 'તમે કોણ છો?' તે સ્ત્રીઓએ જવાબ આપ્યો : 'અમે હત્યાઓ છીએ. તમે પૂર્વજન્મમાં ચાર હત્યાઓ કરી હતી. તેથી અમે ચાર સ્ત્રીઓ તમારા શરીરમાં રહીએ છીએ. આજે તમે વૈષ્ણવનો પોશાક પહેર્યો, તુલસીની કંઠી અને તિલક ધારણ કર્યા, તેના ઉગ્ર તેજથી અમે તમારા શરીરની અંદર દાઝવા લાગ્યાં, તેથી અમે બહાર નીકળી તમારી પાછળ પાછળ આવીએ છીએ. તમે મુકામ પર જઈ, પોશાક ઉતારશો એટલે તમારા શરીરમાં પ્રવેશીશું.'

      આ વાત સાંભળી દયા ભવૈયાએ કહ્યું : 'હું આ વૈષ્ણવી વેશ જ ન ઉતારું તો?' તે હત્યાઓએ જવાબ આપ્યો : 'તું આ વેશ ન ઉતરે તો અમે તારા શરીરમાં દાખલ થવાની હિમ્મત કરીશું નહીં.' આ સાંભળીને દયા ભવૈયાને વૈષ્ણવી વેશની મહાનતા સમજાઈ. તેમણે નક્કી કર્યું કે જો આ વેશ, તુલસીમાળા અને તિલકમાં આટલી પ્રબળ શક્તિ હોય અને તે વેશ આજે મે પેટ ભરવા પહેર્યો, છતાં મારા શરીરમાંથી હત્યા ગઈ, તો હું સાચાહૃદયથી તે ધારણ કરું અને સાચો વૈષ્ણવ બની જાવ તો એ વૈષ્ણવતામાં કેટલી અગાધ શક્તિ હોય? મારુ આ જીવન સુધરી જાય અને પરલોક પણ સુધરી જાય. જો વૈષ્ણવી વેશ પહેરવાથી મારા પાપો મારા શરીરમાંથી નીકળી દૂર રહેતાં હોય તો સાચો વૈષ્ણવ બની જાઉં, ત્યારે સ્વયં ભગવાન જરૂર મારી પાસે પધારે. આવો વિચાર કરી, દયા ભવૈયા રાજા પાસે પાછા ગયા. રાજાની મદદથી તેઓ શ્રીગુસાંઇજીના સેવક થયા અને સાચા વૈષ્ણવ બન્યા. તેમના સેવ્ય ઠાકોરજી શ્રીમદનમોહનજી આજે જુનાગઢમાં મોટી હવેલીમાં બિરાજે છે.

      આથી એ વાત નક્કી થાય છે કે આપણે વૈષ્ણવ છીએ, એટલે વૈષ્ણવી વેશ માટે ગૌરવ રાખવું જોઈએ અને ગૌરવપૂર્વક તે પહેરવો જોઈએ.                          

                                            ||JAY SHREE KRISHNA||

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra