પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનામહારાણીજી નો પ્રભાવ

 

શ્રી યમુના મહારાણીજી
     પુષ્ટિમાર્ગમાં બે મૈયા સુપ્રસિદ્ધ છે. એક શ્રીયશોદામૈયા અને શ્રીયમુનામૈયા. શ્રીયશોદાજી ભગવાન શ્રીકૃષ્ણનાં મૈયા છે, તો શ્રીયમુનાજી ભક્તોનાં મૈયા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રીમહાપ્રભુજી પ્રત્યે પૂર્ણભાવ હોવા છતાં, શ્રીયમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતુ અગ્રસ્થાન છે. સખ્યભાવવાળા ભક્તોનાં હૃદયમાં શ્રીયમુનાજી શ્રીમહારાણીજી અને શ્રીપ્રભુનાં ચતુર્થપ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે.

     શ્રીયમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ-૬ ના દિવસે મનાય છે. આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા શ્રીનારાયણના હૃદયમાંથી પ્રવીભૂત રસાત્મક શ્રીયમુનાજી પ્રગટ થયાં છે, અલૌકિક રવિમંડળમાંથી કલિંદ પર્વત પર અવતરીને તેઓ પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે પ્રગટ થયાં છે. યમુના નામનો અર્થ આ પ્રમાણે છે. યમ+ઉના=યમુના. યમ એટલે ધર્મરાજા, ઉના એટલે નાનાં બહેન, આધિદૈવિક ધર્મરાજાનાં નાનાબહેન. બીજો અર્થ છે યમયતી-જે જીવોને પ્રભુ પાસે લઈ જાય છે, તે શ્રીયમુનાજી.

 શ્રીયમુનાજીના છ ગુણ:

ઐશ્વર્ય: ભગવાનની જેમ શ્રીયમુનાજીના ગુણોની ગણતરી પણ અશક્ય છે. આ અગણિત ગુણો ઐશ્વર્યનું લક્ષણ છે.

વીર્ય: મહાદેવ, બ્રહ્મા આદિ દેવો જેમ ભગવાનના વીર્ય ગુણની સ્તુતિ કરે છે, તેમ શ્રીયમુનાજીના વીર્ય ગુણની પણ સ્તુતિ કરે છે. દેવતાઓ દ્વારા આમ સ્તુતિ કરાતાં શ્રીયમુનાજી ભગવાનના વીર્ય ગુણની
પરાકાષ્ઠા છે.

યશ: ઘનશ્યામ શ્રીકૃષ્ણ અને કૃષ્ણપ્રિય શ્રીયમુનાજી જગતના તાપોને હારી લઈ,જીવને ભક્તિમય-આનંદમય જીવનનું દાન કરે છે. આ તેમનો યશ ધર્મ છે.

શ્રી: ગોપિકાઓથી વીંટળાયેલાં શ્રીયમુનાજી શોભાયમાન છે, શ્રીયમુનાજીની આ શોભા ભગવાનના શ્રી ગુણ સમાન છે.

જ્ઞાન: ભગવાનના સાનિધ્યથી અને શ્રીયમુનાજી કિનારા પર આવેલ હોવાથી મથુરા નગરી વિશુદ્ધ છે. મથુરા નગરીની આ વિશુદ્ધતા ભગવાન અને શ્રીયમુનાજીના જ્ઞાનરૂપિ ગુણના પ્રભાવથી છે.

વૈરાગ્ય: શ્રીયમુનાજી આવા જ દિવ્ય ગુણથી ભક્તોના દોષોને દૂર કરીને ભક્ત અને ભગવનમાં પરસ્પર સ્નેહની વૃદ્ધિ કરે છે અને તેમનો વિરહતાપ મિટાવે છે.

     આમ, કૃપાસાગર શ્રીશ્યામસુંદર સાથે કૃપાશક્તિરૂપા શ્રીયમુનાજીના ગુણોની સંગતિ છે.

અષ્ટઐશ્વર્યદાતા શ્રીયમુનાજી:

Ø શ્રીયમુનાજી પુષ્ટિમાર્ગીય સકલ સિદ્ધિઓથી યુક્ત છે.

Ø શ્રીયમુનાજી ભગવનમાં ભક્તની રીત(પ્રેમ) વધારનારા છે.

Ø શ્રીયમુનાજી કૃપા કરીને પ્રતિબંધોને દૂર કરે છે અને પુષ્ટીજીવને શ્રીપુષ્ટિપુરુષોતમને પ્રાપ્ત કરવા યોગ્ય બનાવે છે.

Ø શ્રીયમુનાજી સહજમાં જ જીવનો ભગવાન સાથેનો સંબંધ સ્થાપિત કરવી,સુદ્રઢ બનાવે છે.

Ø કળિયુગના દોષોનું શ્રીયમુનાજી નિવારણ કરે છે અને પ્રભુના પ્રીતિપાત્ર જીવોને નિર્દોષ બનાવી, પ્રભુના ચરણમાં સોંપે છે.

Ø શ્રીયમુનાજીના સેવનથી પુષ્ટિજીવો ભગવાનના ઉત્કૃષ્ટ પ્રેમપાત્ર બને છે.

Ø શ્રીયમુનાજી તનુનવત્વ આપે છે. તનુનવત્વ એટલે દેહમાં અલૌકિક સામર્થ્ય.

Ø શ્રીયમુનાજલના પાનથી આપણાં દેહ, ઇંદ્રિયો, પ્રાણ આદિ સર્વેને પ્રભુના સાક્ષાત અંગસંગનું અલૌકિક સુખ મળે છે.

 

ભગવદીયોને થયેલો શ્રીયમુનાજીના સ્વરૂપનો અનુભવ:

     ૮૪/૨૫૨ વૈષ્ણવો પૈકી કેટલાક ભગવદીયોને પણ શ્રીયમુનાજીના સ્વરૂપનો સુંદર અનુભવ થયો છે, જે તેમનાં ચરિત્રોમાંથી જાણવા મળે છે. આવાં એક ભગવદીય હતા. કિશોરીબાઇ શ્રીગુસાંઈજીનાં સેવક હતાં. બાળપણથી જ તેમના પિતા દ્વારા શ્રીયમુનાષ્ટક નો સતત પાઠ કરવાનો સંસ્કાર તેમને વારસામાં મળ્યો હતો. કિશોરીબાઇ આનંદપૂર્વક અને ભાવપૂર્વક સતત શ્રીયમુનાષ્ટકનો  પાઠ કરતાં. તેઓ બાલ્યાવસ્થામાં જ વિધવા થયેલાં.તેમની મોટી બહેન પણ સાસરે ગયેલી. આમ,એકાકી જીવન જીવતાં કિશોરીબાઈને શીતળાનો રોગ થયો. તેમાં તેમનાં નેત્રોનું તેજ ચાલ્યું ગયું. યાદશક્તિ જતી રહી.છતાં તેઓ શ્રીયમુનાજીમાં અપાર શ્રદ્ધા રાખી, શ્રીયમુનાષ્ટકની યાદ રહી ગયેલી બે પંક્તિઓનું સતત રટણ કરતાં, તેઓ સર્વ દુખોને ધીરજપૂર્વક સહન કરતાં હતાં. તેમની સરભરા કરવા તેમની બહેન આવતી બંધ થઈ, છતાં કિશોરીબાઇએ ધીરજ રાખી, શ્રીયમુનાજીનું સ્મરણ છોડ્યું નહીં.

     ત્યારે કૃપાળુ શ્રીયમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી, કિશોરીબાઈને ઘેર પધાર્યા અને તેની સંભાળ રાખવા લાગ્યા. એક દિવસ શ્રીગુસાંઇજીની વિનંતીથી શ્રીયમુનાજીએ કિશોરીબાઇ ઉપર કૃપા કરીને કિશોરીબાઈના નેત્રોનું તેજ પાછું આપ્યું,તેમનું શરીર રોગમુક્ત થઈ ગયું,શ્રીયમુનાજીનાં સાક્ષાત દર્શન થયાં. શ્રીગુસાંઇજીએ કિશોરીબાઇને એક બંટામાં શ્રીયમુનાજીની વાલુકા(રજ) પધરાવી આપી અને આજ્ઞા કરી કે: આ વાલુકા શ્રીયમુનાજીનું જ સ્વરૂપ છે, તું તેમની સેવા કર. કિશોરીબાઇ ભાવપૂર્વક સેવા કરવા લાગ્યાં.એકવાર કિશોરીબાઇ શ્રીનાથજીનાં દર્શન કરવા વ્રજમાં ગયાં. તેઓ શ્રીનાથજીની સન્મુખ ગયાં ત્યારે શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા. આ જોઈને  શ્રીગુસાંઇજીએ ચાચાહરિવંશજીને કહ્યું: એ શ્રીયમુનાષ્ટકનાં પાઠનું ફળ છે. કિશોરીબાઈએ જીવનની વિકટ સ્થિતિમાં પણ શ્રીયમુનાષ્ટકનો પાઠ વિરહપૂર્વક કર્યો તેની આ ફળપ્રાપ્તી છે. શ્રીવલ્લભની વાણી સદાય સત્ય છે. તેમાં કિશોરીબાઇની જેમ અનન્ય શ્રદ્ધા હોવી જોઈએ.


ચુનરી મનોરથ

આ ઉત્સવ વૈષ્ણવો દ્વારા ઉજવવામાં આવે છે.ભક્તો સંખ્યાબંધ સાડીઓ એકઠી કરે છે અને એકબીજા સાથે બાંધી દે છે. હવે ચુનરી મનોરથની વિધિ યમુનાષ્ટકમ ના પાઠ દ્વારા શરૂ થાય છે,ત્યારબાદ ભોગ પીરસવામાં આવે છે બધી સાડીઓ શ્રી યમુનાજીને વિશ્રામ ઘાટની એક કાંઠે થી  બીજી કાંઠે ભરીને અર્પણ કરવામાં આવે છે.

ચુનરી મનોરથ - વિશ્રામ ઘાટ 




શ્રીયમુનાજીના સ્મરણનો પ્રકાર:

સ્નાન કરી, ધોયેલાં શુદ્ધ વસ્ત્રો પહેરી, ચરણામૃત લઈ તિલક કરવું. મંગલાચરણ બોલી,શ્રીમહાપ્રભુજી આદીનું સ્મરણ કરી, દંડવત કરવાં. શ્રીયમુનાષ્ટકના પાઠ નિયમપૂર્વક, શક્ય હોય તો મનમાં કરવાં. મનમાં ન થાય તો અનુકૂળતા પ્રમાણે હોઠ ફફડાવીને અથવા મોટેથી ઉચ્ચાર કરીને કરવાં. પાઠ કરતી વખતે શ્રીઠકુરાની ઘાટ પર બેઠા છીએ, એવી ભાવના સાથે શ્રીયમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવું.

કારતક સુદ ૨ એટલે ભાઇબીજ,ચૈત્ર સુદ ૬ એટલે શ્રીયમુનાજીનો ઉત્સવ, ચૈત્ર સુદ ૧ થી ૯ એટલે ચૈત્રી નવરાત્ર અને ગણગોર તથા આસો સુદ ૧ થી ૯ એટલે નવરાત્રીના દિવસોમાં જેટલા બને તેટલા શ્રીયમુનાષ્ટક ના વધુ પાઠ કરવા.

આવાં શ્યામસુંદર શ્રીયમુના મહારાણીનો મહિમા અપરંપાર છે. તેમની કૃપાથી જ જીવ તેમનું સેવન અને સ્મરણ કરી શકે છે. શ્રીયમુનામહારાણીને આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ.             

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ