Guidelines For Bethakji (Part-2)

v   શ્રીમહાપ્રભુજીના શ્રીઅંગની સેવા કેવી રીતે કરીશું?

સામગ્રી સિદ્ધ કર્યા પછી મુખિયાજીની આજ્ઞા લઈને, હાથ ખાસા કરીને, શ્રીમહાપ્રભુજીના શ્રીઅંગની સેવા માટે આપશ્રીના નિજમંદિર પાસે શ્રદ્ધાપૂર્વક જવું જોઈએ. શ્રીમહાપ્રભુજીને સૌ પ્રથમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, બે હાથ જોડી દીનતાપૂર્વક સેવા આંગીકર કરવા માટે વિનંતી કરી, હાથ ખાસા કરવા જોઈએ. સેવામાં જેટલી વખત હાથ જોડીને પ્રણામ કરીએ કે દંડવત કરીએ તેટલીવાર હાથ ખાસા કરવા જોઈએ.જો વૈષ્ણવનો મોટો સમૂહ હોય તો મનોરથી વૈષ્ણવો બધી સેવા કરે ત્યારે બીજા વૈષ્ણવોએ પોતાનો હાથ, પોતાની આગળ ઊભેલા કે બેઠેલા વૈષ્ણવોના જમણા ખભે મૂકવો જોઈએ અને પોતે જ આ સર્વ સેવાનો આનંદ લઈ રહ્યા છે તેવી મનમાં ભાવના કરવી જોઈએ.

  હાથ અડાડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે, કોઈક વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હોય અને તેને આપણે સ્પર્શ કરીયે તો આપણને પણ કરંટ લાગે છે અને આપણને બીજો સ્પર્શ કરે તો તેને પણ કરંટ લાગે છે. તેવી જ રીતે વૈષ્ણવ સેવા કરતા હોય તેમના શરીરને ભાવપૂર્વક સ્પર્શ કરવાથી સેવાની ભાવના આપણા હૃદયને પણ સ્પર્શે છે. તેમની સેવામાં એકાગ્ર થયેલી ચિતવૃતિનો પ્રવાહ સ્પર્શથી આપણા ચિતમાં પણ વહેવા માંડે છે, અને તેથી તે વૈષ્ણવ દ્વારા આપણને પણ સેવાનું તેટલું જ ફળ અને તેટલો જ આનંદ પ્રાપ્ત થાય છે. આજે આપણે જોઈએ છીએ કે જ્યાં મોટો સમૂહ એકત્ર થાય છે ત્યાં શ્રીમહાપ્રભુજીની સન્મુખ ધક્કામુક્કીએકબીજાની સાથે અપશબ્ધની આપલેબૂમાબૂમક્રોધ અને ભારે અવ્યવસ્થાનું વાતાવરણ જોવા મળે છે. સેવામાં જો ક્રોધ આવે તો આપણી અપરસ છોવાય છે, કારણકે ક્રોધને શાસ્ત્રોએ ચાંડાલનું સ્વરૂપ કહ્યું છે. જેમ ચાંડાલનો સ્પર્શ કરવાથી અપરસ છોવાય તેમ અપરસમાં ક્રોધ કે અભિમાન કરવાથી પણ અપરસ છોવાય છે.

v   શ્રીમહાપ્રભુજીને આપણે કેવી રીતે ભોગ ધરીશું?

  ભોગ માટેની સામગ્રી જે સિદ્ધ કરી રાખી હોય તે ઢાંકીને કોઇની દ્રષ્ટિ ના પડે તે રીતે નિજમંદિરમાં લઈ જવી જોઈએ. તે લઈ જતાં પહેલાં હાથ ખાસા કરી લેવા જરૂરી છે. ગમે ત્યાં અડકેલા હાથે ભોગ ધરવાની સામગ્રીને સ્પર્શ કરવો જોઈએ નહી. શ્રીમહાપ્રભુજીની સન્મુખ મુખિયાજી બતાવે ત્યાં ભોગની સામગ્રી પધરાવવી જોઈએ. ભોગ ધર્યા પછી હાથ જોડી દીનતા અને પ્રેમથી શ્રીમહાપ્રભુજીને વિનંતી કરવી જોઈએ કે, કૃપાનાથ, હું રંક જીવ આપની પ્રસન્નતા માટે કઈ કરી શક્યો નથી, મારાથી કશું બની શક્યું નથી, પરંતુ ભગવદીયોની કૃપાથી આપના શરણે આવ્યો છું. તો શ્રીદામોદરદાસ હરસાનીજી આદિ ૮૪-૨૫૨ વૈષ્ણવોની કાનીથી આપ કૃપા કરીને આ સામગ્રી સમગ્ર લીલાપરિકર સહિત આરોગવાની કૃપા કરો. આમ વિનંતી કરી દંડવત કરી,ટેરો સરકાવીને બહાર આવવું જોઈએ.

ભોગ ધર્યા પછી કાની આપતાં પૂર્વે ઝારીજી ભરી શકાય. મુખિયાજી બતાવે તે પ્રમાણે ઝારીજી ભરવાં જોઈએ. ઝારીજી મોટેભાગે ચાંદીનાં કે તાંબાનાં હોય છે. ઝારીજી શ્રીરાધિકાજીનું સ્વરૂપ છે. ચાંદીનો શ્વેત રંગ શ્રીચંદ્રાવલીજીની ભાવનાનું સ્વરૂપ છે. ઝારીજી ઉપર વીંટવામાં આવતા લાલ વસ્ત્રનો નેવડો એ સાડીનું સ્વરૂપ છે. ઝારીજીમાં ભરવામાં આવતું જળ શ્રીયમુનાજીના જળની ભાવનાથી શ્રીયમુનાજીનું સ્વરૂપ છે. માટે હાથ ખાસા કરી શ્રીયમુનાષ્ટકનો પાઠ કરતાં કરતાં ઝારીજી ભરવાં જોઈએ. એક વૈષ્ણવ ઝારીજી ભરતા હોય ત્યારે બીજા સૌએ પોતાનો જમણો હાથ તેમના જમણા ખભે અડાડવો જોઈએ. મોટા મોટા સમૂહમાં દરેક વૈષ્ણવે જાતે જ ઝારીજી ભરવાનો આગ્રહ રાખવો તે ઠીક નથી. શ્રીમહાપ્રભુજીની ડાબી બાજુ ઝારીજી પધરાવવાં જોઈએ. આવી રીતે ઝારીજી પધરાવ્યા પછી ભોગ આરોગવાની કાની આપી, દંડવત કરી, ટેરો સરકાવી બહાર આવવું.

 

v   શ્રીમહાપ્રભુજીની અન્ય સેવા કેવી રીતે કરીશું?

  ભોગ ધરીને બહાર આવ્યા પછી મુખિયાજીને પૂછીને બીજી જે કઈ સેવા તેઓ બતાવે તે ખૂબ દીનતા અને પ્રેમથી કરવી જોઈએ.કોઈ સેવા નાની કે મોટી નથી. સર્વ સમાન છે અને સમાન ફળ આપનારી છે,તેવા ભાવથી જે કઈ સેવા મળે તેને આપણું અહોભાગ્ય માનીને કરવાથી તે તે સેવા શ્રીમહાપ્રભુજી ખૂબ પ્રસન્નતાપૂર્વક અંગીકાર કરે છે. જળ ભરવાની સેવા,બુહારી કરવાની(કચરો વાળવાની)સેવા, વાસણ સાફ કરવાની સેવા, પાનની બીડી બાંધવાની સેવા, ફૂલઘરની સેવા કે બીજી કોઈ પણ સેવા તેટલા જ પ્રેમથી કરવી જોઈએ. સેવા કરતાં મૌન રાખવું જરૂરી છે. મનમાં અષ્ટાક્ષર કે પંચાક્ષર મંત્રનો અથવા શ્રીસર્વોતમ સ્તોત્રનો જપ સતત કરવો જોઈએ.

સેવા અને સ્મરણ વિષે એક વાત બરાબર સમજી લેવાની જરૂરી છે. સ્મરણનું ફળ સેવા છે. સેવા ન બની શકે ત્યારે તેવા સમયમાં સ્મરણ કરવું જોઈએ. સેવા છોડીને સ્મરણ કરવા બેસવું ઉચિત નથી. જ્યાં સુધી બ્રહ્મસંબંધ ન થયું હોય ત્યાં સુધી કેવળ સ્મરણ કરવાનો અધિકાર મેળવીયે છીએ, પરંતુ પ્રભુ સાથે લગ્નરૂપી બ્રહ્મસંબંધ થયા પછી આપણને શ્રીમહાપ્રભુજીની કૃપાથી સેવા કરવાનો અધિકાર મળ્યો છે, તેથી સેવાના સમયમાં સેવા કરવી જોઈએ અને સેવાના અનવસર(અનોસરમાં)સ્મરણ કરવું જોઈએ.

 

v   શ્રીમહાપ્રભુજીનાં ચરણસ્પર્શ કેવી રીતે કરીશું?

  શ્રીમહાપ્રભુજીનાં ચરણસ્પર્શ કેવી રીતે કરવા તે પણ મોટાભાગના વૈષ્ણવો જાણતા હોતા નથી.ઘણીવાર બેઠકજીમાં મોટો સમૂહની સાથે જવાનું થાય ત્યારે વૈષ્ણવો ચરણસ્પર્શ માટે પડાપડી કરતાં હોય છે. તેને પરિણામે ક્યારેક તો વૈષ્ણવો શ્રીમહાપ્રભુજી ઉપર પોતાનું આખું શરીર નમાવી દેતા હોય છે,તેથી શ્રીમહાપ્રભુજીને સુખ થવાને બદલે પરિશ્રમ થતો હોય છે.આ સંજોગોમાં એક પછી એક વ્યવસ્થિત લાઇનમાં ઊભા રહીને શ્રીમહાપ્રભુજીની સન્મુખ જઈને આપણે ચરણસ્પર્શ કરીયે, તો આપણને ચરણસ્પર્શનો અને દર્શનનો સારી રીતે લાભ મળે અને આનંદ આવે.

  ચરણસ્પર્શ કરતી વખતે જમણા હાથની આંગળીઓ ઉપર અતર લગાવીપ્રથમ ડાબા ચરણરવિંદના અને પછી જમણા ચરણરવિંદના ચરણતલને સ્પર્શ કરીદંડવત કરીતે હાથ બીજે ક્યાંય અડાળીયા વિના દૂર આવીજ્યાં પ્રસાદી-જળ કે મિસરી હોય તે જમણા હાથમાં લઈ મોમાં મૂકવું. ત્યારબાદ તે હાથ આપણી બંને આંખોએમસ્તકે અને હૃદયે લગાવવો જોઈએ.

 

v   બેઠકજીમાં વૈષ્ણવોની સેવા કેવી રીતે કરીશું?

  બેઠકજીમાં આપણને એક વિશેષ લાભ એ પણ મળે છે કે ત્યાં શ્રીહરિગુરુવૈષ્ણવ-ત્રણેયની સેવા પ્રાપ્ત થાય છે. વૈષ્ણવોની સેવા પણ વિવિધ રીતે કરી શકાય: (૧) વૈષ્ણવો પ્રસાદ લેવા બેસે ત્યારે પોતનાં કરવાં, પાતળ અને પડિયા મૂકવા,જળ ભરવું વગેરે સેવા કરી શકાય. (૨) વૈષ્ણવો અપરસમાં સ્નાન કરે ત્યારે તેમના ભીનાંવસ્ત્રો નિચોવીને સૂકવવાની સેવા પણ કરી શકાય. આ માર્ગમાં વૈષ્ણવોની કૃપાથી શ્રીમહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થાય છે અને શ્રીમહાપ્રભુજીની કૃપાથી શ્રીઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય છે.

  વૈષ્ણવોનો અપરાધ કરવાથી શ્રીમહાપ્રભુજી ખૂબ અપ્રસન્ન થાય છેતેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. શ્રીમહાપ્રભુજીને પોતાના વૈષ્ણવો ખૂબ પ્રિય છે. પોતાનાં વૈષ્ણવોનું જો કોઈ અપમાન કરે, તેમના વીશે અનુચિત વાણી ઉચ્ચારે તો તે શ્રીમહાપ્રભુજી સહન કરી શકતા નથી. આપણા વાણી-વર્તનથી બીજાં વૈષ્ણવોને આપણે માનસિક દુ:ખ આપીએ છીએ અને વૈષ્ણવોના અપરાધ કરવાના પરિણામે શ્રીમહાપ્રભુજીની કૃપા અને પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરી શકતા નથી.      

      

   

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ