Narasimha Jayanti

 
નરસિંહ ભગવાન



           ભક્તના મનોરથ પૂર્ણ કરનાર એવા ભગવાન નરસિંહના પ્રાગટ્ય ની મંગળ બધાઇ.


જય જય શ્રીનરસિંહ હરિ ||
યહ જગદીશ ભક્તભય મોચન ખંભ ફારી પ્રગટે કરુણા કરી ||||
હિરણ્યકશિપુકો નખન બિદાર્યો તિલક દિયો પ્રહલાદ અભયશિર ||
પરમાનંદદાસ કો ઠાકુર નામ લેત સબ પાપ જાત જર ||||


      હિન્દુ પંચાંગ અનુસાર, નરસિંહ જયંતિનો ઉત્સવ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ તિથી પર ઉજવવામાં આવે છે. પુરાણોમાં જણાવેલ કથાઓ મુજબ આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહ રૂપમાં અવતાર લીધો હતો.

      ભગવાન નરસિંહના પ્રાગટ્યની કથા અનુસાર તેમના ભાઈના મૃત્યુનો બદલો લેવા રાક્ષસ રાજા હિરણ્યકશિપુએ સખત તપશ્ચર્યા કરીને બ્રહ્માજી પાસે અમર બનવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વીનો લય થાય ત્યારે મારો પણ નાશ થાઇ જય છે અને કહ્યું બીજું કાઇ માંગ. હિરણ્યકશિપુએ માંગ્યું : હું દિવસે ન મરું, રાત્રે ન મરું. ઘરની અંદર ન મરું, બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુંથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. બારેય મહિનામાં ન મરું. આકાશ પર ન મરું, જમીન પર ન મરું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ.
નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશિપુ નો વધ

      હિરણ્યકશિપુને વરદાન મળતાની સાથે જ તેણે લોકોને સતાવવાનું શરૂ કર્યું અને વિવિધ રીતે અત્યાચાર ગુજારવા અને ત્રાસ આપવાનું શરૂ કર્યું. જેના કારણે લોકો અત્યંત દુ:ખી થવા લાગ્યા. આ દિવસોમાં, હિરણ્યકશિપુની પત્ની ક્યાધુએ પ્રહલાદ નામના એક પુત્રને જન્મ આપ્યો. રાક્ષસ કુળમાં જન્મ્યા પછી પણ પ્રહલાદને શ્રીહરિ ભક્તિ પ્રત્યે ખૂબ લગાવ હતો. હિરણ્યકશિપુએ પ્રહલાદના મનમાંથી ભગવદ ભક્તિ દૂર કરવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે સફળ થયો નહીં. બધાજ પ્રયત્નો કરીને થાક્યો, પછી એક થાંભલાને અગ્નિથી તપાવ્યો, એટલો તપાવ્યો કે લાલ ચોળ તાંબાનો થઈ ગયો. પ્રહલાદને ઉભો રાખ્યો અને કહ્યું કે તારો પરમાત્મા જેને તું ભજે છે એ છે ક્યાં? બતાવ મારે જોવો છે. પ્રહલાદ કહે પિતાજી પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં છે એમ ન પૂછાય, એ ક્યાં નથી? એ તો બધે જ છે. ત્યારે પિતાએ એમ કહ્યું કે મારે જોવો છે. ત્યારે પ્રહલાદજી મનોમન અતિ પ્રસન થઈ ગયા અને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ કૃપા કરજો. આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે. આજે એને દર્શન આપી દો. પિતાએ પૂછ્યું : આ થાંભલામાં છે? પ્રહલાદજી કહ્યું હા થાંભલામાં પણ છે મારો ભગવાન. પિતાએ કહ્યું તો ભેટ જઈને એને અને એક એક ડગલું ભગવાનનું નામ લેતા લેતા પ્રહલાદજી આગળ વધવા લાગ્યા અને જ્યાં થાંભલાને બાથ ભીડી ધડાક થઈને શોર થયો અને નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશિપુએ ભગવાનને જોયા અને પોતાની ગદા લઈને મારવા દોડ્યો. ભગવાને હિરણ્યકશિપુને ગોદમાં લઈ લીધો અને ગોદમાં લઈને ઉમરા પાસે આવ્યા. પોતાની ગોદમાં સુવડાવ્યો અને કહ્યું જો આ આકાશમાં નથી, જમીન પર નથી, મારી ગોદમાં છો. મારી સામે જો, હું નર નથી, પશું નથી, જો તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉમરા પર છો. મારા નખો ને જો, આ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. બારે માહિનામાં એકેય મહિનો નથી, અધિકમાસ ચાલે છે. દિવસ નથી, રાત નથી, સંધ્યાકાલ છે. નખોને ભીતર ઘુસાડી ચીરી નાખ્યો હિરણ્યકશિપુને. જ્યાં હિરણ્યકશિપુનો વધ થયો આકાશમાં દેવતાઓ વિમાન લઈને આવી ગયા, પુષ્પ વર્ષા કરવા લાગ્યા અને જયજયકાર કરવા લાગ્યા.

      શ્રીનરસિંહ ભગવાનના પ્રાગટ્યથી આપણે બધાએ એક વાત સમજવા જેવી છે કે જીવનમાં કેવા કેવા પ્રતિબંધો હોય તો પણ ભક્ત પર કરુણા કરવા ભગવાન કેવા કેવા રસ્તાઓ ગોતી લે છે. ભક્તોએ ભગવાન પર ભરોસો રાખવો. આપણને એવું લાગતું હોઈ કે મારા બધા જ દરવાજા બંધ થઈ ગયા પણ યાદ રાખજો કોઈ એક બારીતો ભગવાને ખૂલી રાખીજ હશે અને એ બારીએથી ભગવાન તમારા સુધી પહોંચી જશે કૃપા કરવા માટે. એટલે ક્યારેય પણ ગમે એવા  સંજોગો આવે ભગવાન પરથી ભરોસો ઉઠાવવો નહીં. એ ક્યાંથી ને ક્યાંથી રસ્તો કાઢી લેશે, કોઈને નિમિત બનાવી લેશે એટલા માટે ભરોસો ગુમાવવો નહીં.

      શ્રીનરસિંહ જયંતિ ના ઉત્સવનો બીજો પ્રસંગ પણ ખૂબ સુંદર છે. શ્રીજી મથુરામાં સતઘરામાં મહા વદ ૭ થી વૈશાખ સુદ ૧૪સુધી રહ્યા હતા. વૈશાખ સુદ ૧૪ ના દિવસે શ્રીજી ગિરિરાજજી પર પરત ફર્યા. શ્રીજી મથુરામાં ૨ મહિના ૨૧ દિવસ રહ્યા. આ સમય દરમિયાન શ્રીગિરિધરજીએ વિવિધ મનોરથોથી શ્રીજીને લાડ લડાવ્યા. હોળી ખેલના દિવસો હોવાથી શ્રીજી શ્રીગુસાંઇજીના બાળકો, બહુજીઓ અને બેટીજીઓ સાથે ખૂબ હોળી રમ્યા અને ખૂબ આશીર્વાદ આપ્યા.

      જ્યારે ગુજરાતથી શ્રીગુસાંઇજીના મથુરા પધારવાના સમાચાર આવ્યા, ત્યારે શ્રીનાથજીએ શ્રીગિરિધરજીને આજ્ઞા કરી કે, શ્રીગુસાંઇજી ગિરિરાજ પધારે, તે પહેલા તમે મને જલ્દી મારા મંદિરમાં પધરાવો. આ પ્રમાણે શ્રીજીની આજ્ઞાનુસાર, આપણે બપોરના સમયે ગિરિરાજજી ઉપર મંદિરમાં પધરાવ્યા અને ત્યાં રાજભોગ ધરાવ્યો. એવામાં શ્રીગુસાંઇજી પણ પરદેશથી ત્યાં પધાર્યા. ત્યારબાદ ચાર ઘડી દિવસ રહે(સાંજે) શ્રીજીના રાજભોગ સરાવાની ખબર આવી, એટલે આપને આશ્ચર્ય થયું! કે આજે આ સમયે રાજભોગ કેમ? શ્રીગિરિધરજીએ ખુલાસો કર્યો કે શ્રીજી તમને જતીપુરામાં દર્શન આપવા માંગતા હતા અને તેથી તેમણે મથુરાથી જતીપુરા સુધીની યાત્રા કરી. આ સાંભળી શ્રીગુસાંઇજી ખૂબ જ પ્રસન થયા અને આનંદ થયો કે શ્રીજી તેમણે ખૂબ ચાહે છે. તે દિવસ, એટલે વૈશાખ સુદ ૧૪ નરસિંહ જયંતિનો ઉત્સવ, તેથી શ્રીગુસાંઇજીએ શયનભોગ સાથે રાજભોગ ફરી એકવાર ધરાવ્યો. ત્યારથી શ્રીજીદ્વારમાં પ્રતિવર્ષ સેન ભોગની સાથે બીજી વખત રાજભોગ આવે છે.

             

ચતુર્ભુજદાસ
     જ્યારે શ્રીજી મથુરામાં હતા ત્યારે શ્રીચતુર્ભુજદાસજીને શ્રીગિરિરાજજી ઉપર શ્રીનાથજીના દર્શન થતા નહીં, તેથી તેમને વિરહભાવ થયો અને તે ખૂબ દુ:ખી થયા અને “ગોવર્ધન વાસી સાંવરે લાલા, તું બિન રહ્યો ન જાય”. આ પદ ગાવા લાગ્યા. તેમનો વિરહતાપ એટલો પ્રબળ હતો કે શ્રીજીને ફરીથી શ્રીગિરિરાજજી ઉપર પધારવું પડ્યું.

      ભારતભરના પુષ્ટિમાર્ગીય મંદિરોમાં, આ દિવસે સાંજે નરસિંહ જન્મના દર્શન થાય છે. શ્રીજીને શીતળ પન્નો અને લીલોમેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય ધરાય છે.

      આજનો સાજ સંપૂર્ણપણે સફેદ હોય છે અને રૂપેરી તૂઈ વાળું કેસરી મલમલનુ વસ્ત્ર હોય છે. શ્રીમસ્તકે ૩ ચંદ્રિકાની કુલહેની જોડ અને મોતીના બધા શૃંગાર હોય છે. વાઘનખ અને વાઘ મધ વાળા કળાએ આ દિવસના મુખ્ય શૃંગાર છે. સત્વો અને દહીંભાત એ આ દિવસની મુખ્ય સામગ્રી છે.

      આ દિવસે પંચામૃત સ્નાન સાંજે કરાવવામાં આવે છે. આ દિવસથી દર ચોથા દિવસે શ્રીજીને અભ્યંગ સ્નાન કરાવવામાં આવે છે.   

 

    

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ