All about Yamunashtakam

 

ગ્રંથરચના

      શ્રીમહાપ્રભુજી ચૌદ વર્ષની વયે પહેલી વખત ગોકુળ પધાર્યા. શ્રીયમુનાજીના કિનારે તેમને શ્રીયમુનાજીના જળ સ્વરૂપે દર્શન થયા. તેઓ પુરાણોમાં બતાવેલા શ્રીયમુનાજીના માહાત્મ્યને પણ સારી રીતે જાણતા હતા. તેમણે પૃથ્વી છંદમાં શ્રીયમુનાષ્ટક રચીને શ્રીયમુનાજીની સ્તુતિ કરી. સવંત ૧૫૪૯ના શ્રાવણ સુદ ત્રીજ(ઠકુરાની ત્રીજ)ના રોજ શ્રીયમુનાષ્ટકની રચના ગોકુળમાં કરી.

શ્રીયમુના સ્વરૂપ:-

      શ્રીયમુનાજીના ત્રણ સ્વરૂપ – આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે શ્રીપ્રભુના શ્રીસ્વામીનિજીનું સ્વરૂપ, જે સ્વરૂપના દર્શન આપણે ચિત્રમાં કરીએ છીએ. આધિભૌતિક સ્વરૂપ એટલે નદીરૂપે વહેતું જળ સ્વરૂપ, જેના દર્શન આપણી આંખોથી થાય છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમનું શક્તિ-સામર્થ્ય સ્વરૂપ, તેનો અનુભવ થાય. તે આંખોથી ન દેખાય. શ્રીપ્રભુની મુખ્ય બાર શક્તિઓ, તેમાંય મુખ્ય બે - આલ્હાદિની શક્તિ અને કૃપાશક્તિ. આલ્હાદિની શક્તિ શ્રીરાધાજી અને કૃપાશક્તિ શ્રીયમુનાજી, શ્રીયમુનાજીનાં આ ત્રણ સ્વરૂપોનો પરિચય શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાષ્ટકમાં કરાવે છે.

શ્રીયમુનાજીના ગુણો:-

      શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાજીની ગુણલીલાનું દર્શન કરાવે છે. શ્રીઠાકોરજીમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનાં છ દિવ્ય ગુણો છે. એ જ છ ગુણો શ્રીયમુનાજીમાં પણ છે. જેમ મેઘશ્યામ સ્વરૂપની બંનેમાં સમાનતા છે. તેમ સર્વ ગુણોની પણ બંનેમાં સમાનતા છે.

અનંતગુણભૂષિતે – શ્રીયમુનાજી અનંત ગુણોથી શોભાયમાન છે. આ તેમનો ઐશ્વર્ય ગુણ (અલૌકિક સામર્થ્ય) છે. લૌકિક ગુણો અલ્પ અને ગણતરીનાં હોય, ક્યાં સરખા પ્રમાણમાં પણ ન હોય. ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીમાં સદા પૂર્ણરૂપે અનંત ગુણો રહેલા છે.

શિવવિરંચીદેવસ્તુતે – શિવ, બ્રહ્મા જેવા મહા દેવો પણ ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીના આ ગુણોના બળની સ્તુતિ કરે છે. તે શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીનો વીર્ય ગુણ છે. (લીલા કરવા માટે દિવ્ય બળ)

ઘનાઘનનિભે સદા – શ્રીયમુનાજીનું સ્વરૂપ સજલ શ્યામ મેઘ સમાન અતિ સુંદર છે. શ્રીકૃષ્ણ પણ તેવા જ છે. એ બંનેનો આ શ્રીગુણ (અલૌકિક સંપતિ) છે. બંનેનું સ્વરૂપ સુંદર છે. બંને વરસાદની જેમ ઉદાર હૃદયનાં, સૌનો તાપ હરનારાં છે.

ધ્રુવપરાશરભીષ્ટદે – બાળક ધ્રુવ અને ઋષિ પરાશરે શ્રીયમુનાજીના કિનારે ઉગ્ર તપ કર્યું. એમની મનોકામના શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીએ પૂરી કરી. આમ, અબુધ બાળકથી લઈને મોટા ઋષિમુનિ સુધીના સૌએ તેમણે વરદાન આપ્યાં છે, તેથી તેમનો યશ ગુણ પ્રસિદ્ધ છે.

વિશુદ્ધમથુરાતટે – મથુરાનગરી શ્રીયમુનાજીનાં કિનારે છે. શ્રીકૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને બિરાજયા. શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીનાં દિવ્ય જ્ઞાન ગુણનો પ્રભાવ મથુરા નગરી પર પડ્યો છે. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનીને વિશુદ્ધ બનાવવાનો છે અને પછી મોક્ષ આપવાનો છે. શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી ભકતોથી ઘેરાયેલાં રહે છે. ભક્તોને સુખદાન કરવું એ તેમનો સ્વભાવ છે.

કૃપાજલધિસંશ્રિતે – આવા છ ગુણયુક્ત શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી કૃપા સાગર છે. તેમના છ ગુણો તેમનામાં નિત્ય છે, પણ સદા પ્રગટ હોતા નથી. તે પ્રસંગે પ્રગટ થાય છે. કૃપાગુણ નિત્ય અને સદા પ્રગટ છે. કૃપા વિના કોઈ લીલા સંભવતી નથી. આ ગુણ મુખ્ય રૂપે હોવાથી કૃપાસાગરસ્વરૂપ શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીનું ધર્મી સ્વરૂપ છે. જેમાં સર્વ ધર્મ રહેલા હોય તે ધર્મી. શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીમાં કૃપાગુણના આધારે સર્વગુણ રહેલા છે. તેથી કૃપાસ્વરૂપ તેમનું ધર્મી સ્વરૂપ છે.

શ્રીયમુનાજી આઠ ઐશ્વર્ય આપે છે:

(1)શ્રીયમુનાજી સાક્ષાત સેવોપયોગી દેહ, સાક્ષાત ભગવત લીલાનું દર્શન, સર્વાત્મભાવ જેવી

    પુષ્ટિસિદ્ધિઓ આપનારાં છે. (સકલસિદ્ધિહેતુમ)

(2)ભક્તોને ભગવનમાં પ્રેમ વધારનારા છે. (મુકુંદરતિવર્ધિની)

(3)પુષ્ટિજીવ પુષ્ટિપ્રભુને લાયક બને, પ્રભુને પ્રાપ્ત કરવામાં તેને નડતા પ્રતિબંધો દૂર કરનારાં શ્રીયમુનાજી

    છે. (ભુવંભુવનપાવનીમ)

(4)શ્રીયમુનાજી અને શ્રીઠાકોરજીના સમાન ગુણો હોવાથી, શ્રીયમુનાજી ભક્તો પર કૃપા વરસાવનારા છે.   (કૃપાજલધિસંશ્રિતે)

(5) ભગવાનને પ્રિય પુષ્ટિજીવોમાં રહેલા કલિયુગના દોષો દૂર કરે છે. (કલિંદયા)

(6)  શ્રીયમુનાજીના સેવનથી ગોપીજનોની જેમ પુષ્ટિજીવો પ્રભુના પ્રીતિપાત્ર બને છે.(પ્રિયો ભવતિ સેવનાત)

(7)તેના સાનિધ્યમાં રહી, તેમનું સેવન કરનારા પુષ્ટિજીવોને તેઓ તનુનવત્વનું ફળ આપે છે. (તનુનવત્વમેતાવતા)

(8)શ્રીયમુનાજલ પ્રભુના સાક્ષાત આનંદ રસનો અનુભવ કરાવે છે.(સ્મરશ્રમજલાણુભિ:)

શ્રીપ્રભુએ પોતાનાં આઠ અલૌકિક ઐશ્વર્યો શ્રીયમુનાજીને આપ્યા છે. જે શ્રીયમુનાજી નિત્યલીલસ્થ અને ભૂતળના પુષ્ટિ જીવોને દાન કરે છે.

 

શ્રીયમુનાષ્ટકના પાઠનું ફળ:

        શ્રીયમુનાષ્ટક ગાઈને પાઠ કરવાની આજ્ઞા છે. વિધાર્થી અભ્યાસનું પુસ્તક મોટેથી વાંચી, તેને કંઠસ્થ કરે છે. ત્યારે વિધાર્થી અભ્યાસનો ભાવાર્થ બોલવાની સાથે સમજવાની- વિચારવાની કોશિશ પણ કરે છે. તેવી રીતે વૈષ્ણવે શ્રીયમુનાષ્ટકના એક એક શ્લોકના અર્થના ચિંતનપૂર્વક, લયબુદ્ધ તાલમાં શ્રીયમુનાષ્ટક ગાવું- તેનો પાઠ કરવો.

        આ પાઠ સદા કરવો. સદા એટલે દરરોજ હમેશા નિયમથી કરવો. વળી આજ્ઞા કરી મુદા આનંદપૂર્વક કરવો. ચિતની પ્રસન્નતા રાખીને કરવો.

        આવી રીતે શ્રીયમુનાષ્ટકના પાઠ કરવાથી પાંચ અલૌકિક ફળ મળે છે. પહેલું ફળ સમસ્તદુરિતક્ષય: આપણા મનમાં, બુદ્ધિમાં અને તન-મન- આત્મા દોષમુક્ત અને પવિત્ર બને છે.       શ્રીયમુનાષ્ટકના પાઠથી મનના મેલ ધોવાતા ભવતિ વૈ મુકુંદે રતિ: શ્રીકૃષ્ણ પ્રભુમાં નિશ્ચિત રીતે પ્રેમ થાય છે. શ્રીકૃષ્ણમાં આપણું મન લાગી જાય છે. ભક્તિ વધે છે. આ બીજું ફળ છે.

        તયા સકલ સિદ્ધિઓ: આ ત્રીજું ફળ છે. આ દેહથી અને છૂટ્યા પછી અલૌકિક દેહથી નિત્યલીલામાં શ્રીઠાકોરજીના સાક્ષાત દર્શન, શ્રીઠાકોરજીની સર્વ લીલાઓના દર્શન, એ લીલારસનો અનુભવ, શ્રીઠાકોરજીમાં સર્વાત્મભાવ પ્રાપ્ત થાય છે.

        આવા ભક્ત ઉપર શ્રીઠાકોરજી સદા પ્રસન રહે. મુરરિપુશ્ચ-સંતુષ્યતિ શ્રીઠાકોરજી પ્રસન થાય એટલે એમના અલૌકિક આનંદનું દાન કરે છે. આનંદ પ્રાપ્ત થયો એટલે જીવનની પૂર્ણતા આ ચોથું ફળ.

પાચમું ફળ છે સ્વભાવોવિજયોભવેત સ્વભાવ ઉપર વિજય.

  •         આપણને પ્રશ્ન થાય કે આ પાંચ ફળ શ્રીયમુનાષ્ટકના પાઠથી મળે જ તેની ખાત્રી શી?

        શ્રીમહાપ્રભુજી તેની ખાત્રી રૂપી પ્રોમીસરી નોટ લખી આપે છે. વદતિ વલ્લભ શ્રીહરે: શ્રીહરિ- શ્રીસ્વામીનિજીઓ સહિત શ્રીપ્રભુને વહાલા છે એવી શ્રીવલ્લભ આજ્ઞા કરે છે. શ્રીવલ્લભ શ્રીઠાકોરજી અને શ્રીયમુનાજીના હૃદયને સારી રીતે જાણનારા છે. શ્રીયમુનાજીની જેમ શ્રીવલ્લભ પણ કૃપા શક્તિનું જ સાક્ષાત સ્વરૂપ છે. તેથી શ્રીયમુનાજી અને શ્રીવલ્લભ બે ભિન્ન સ્વરૂપ હોવા છતાં એક જ સ્વરૂપ છે.

        આથી શ્રીવલ્લભની આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ રાખી, જો આપણે નિત્ય શ્રદ્ધાપૂર્વક, અર્થના ચિંતન સહિત, પ્રસન્ન ચિતથી શ્રીયમુનાષ્ટકના લયબુદ્ધ રીતે પાઠ કરીયે તો અવશ્ય ઉપરોક્ત પાંચે અલૌકિક ફળ પ્રાપ્ત થાય.

        શ્રીયમુનાષ્ટક પુષ્ટિના મહેલમાં પ્રવેશસવાનું દ્વાર છે. તેથી ષોડશગ્રંથમાં તે પ્રથમ છે. શ્રીયમુનાજી જ પુષ્ટિજીવન અને પુષ્ટિફળ આપનારાં છે. પુષ્ટિના મહેલમાં પ્રવેશવા શ્રીયમુનાજીની કૃપા જરૂરી છે, જે શ્રીયમુનાષ્ટક દ્વારા પ્રાપ્ત થાય છે.

 




ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ