વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ

             આપણો સમગ્ર ગૃહસ્થાશ્રમ શ્રીઠાકોરજી માટે છે. આપણા ગૃહસ્થાશ્રમના કેન્દ્રમાં શ્રીઠાકોરજી છે, એટલે ઘરની જે જે ફરજો આપણે નિભાવવાની હોય તે આપણા માથે પડી છે એવા વિચારોથી કરવી જોઈએ  નહીં. દરેક ઘરકામ શ્રીઠાકોરજીની સેવાનો એક ભાગ છે એવી સમજથી કરવું જોઈએ. ઘરમાં કચરો વાળીએ, પોતું કરીએ, સાફસૂફી કરીએ, ઘરને વ્યવસ્થિત રાખીએ, એને સજાવીએ એ બધા પાછળ એવો વિચારભાવ રહેવો જોઈએ કે આ ઘરમાં શ્રીઠાકોરજી સદા બિરાજમાન છે. એમને શ્રમ ન થાય, એમનું સુખ સચવાય, એમને ખેલવાની પ્રસન્નતા રહે, એમને ઘર છોડીને જતા રહેવાનું મન ન થાય એટલા માટે હું આ ઘરને સ્વચ્છ-સુંદર રાખવાની સેવા કરું છું. શ્રીઠાકોરજીને લાડ લડાવાય એ માટે હું નોકરી કે વ્યવસાય કરવાની સેવા કરું છું. શ્રીઠાકોરજી માટે સુંદર સામગ્રીઓ બને એ ભાવથી હું રસોઈ કરું છું. શ્રીઠાકોરજીને એમ ન લાગે કે આ લોકો ગંદા છે એટલા માટે હું સ્નાન કરું છું, શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરું છું. આમ દરેક પ્રવૃતિ અને દરેક કાર્ય જે ઘરમાં શ્રીઠાકોરજીના સુખના વિચારને સાથે રાખી કરવામાં આવતું હોય તે ઘરનો ગૃહસ્થાશ્રમ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ છે.

      વૈષ્ણવી ગૃહસ્થાશ્રમનું એક બીજું ધ્યાન ખેચતું લક્ષણ છે ઘર આંગણે આવેલ દરેકનું સન્માન. ભૂખ્યાને ભોજન મળે, જરૂરિયાતમંદને એની જરૂરિયાત સંતોષાય, નોકરને પણ સ્વમાન અને ઇજ્જત મળે, સૌને મદદરૂપ થવું, પાડોશીઓ સાથે પણ સૌજન્યતાપૂર્વક વ્યવહાર થાય, વાણી અને વ્યવહારમાં કોમળતા હોય તો માનવું કે આપણો ગૃહસ્થાશ્રમ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ છે.

      વૈષ્ણવીઘર અને ગૃહસ્થાશ્રમ ત્યારે બની શકે, કે જ્યારે આપણે આપણામાં વૈષ્ણવતાને ખીલવી હોય, આપણે સાચા વૈષ્ણવ બન્યા હોઈએ.

દયારામભાઈએ સાચું જ કહ્યું છે કે :

      તું જ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,

      તારા સંગનો કોઈને રંગ ન લાગે, ત્યાં સુધી તું કાચો.

      આપણા સંગનો રંગ સૌ પહેલા આપણા પરિવારજનોને લાગવો જોઈએ, પછી બીજાઓને. ઘરનો પરિવાર જ્યાં સુધી વૈષ્ણવતાના રંગે રંગાય નહીં, વૈષ્ણવતાની ભાવનાથી જીવે નહીં, ત્યાં સુધી આપણા ઘરમાં અને આપણા ગૃહસ્થજીવનમાં વૈષ્ણવતાની સાચી સુગંધ મહેકે નહીં.

      ૮૪-૨૫૨ વૈષ્ણવોમાં એવા કેટલાક વૈષ્ણવો થઈ ગયા, કે જેમના પરિવારજનો વૈષ્ણવ બની શક્યા નહીં, બન્યા પછી પણ કેટલાક પરિવાર વૈષ્ણવતાથી જીવી શક્યા નહીં. એને લઈને તે વૈષ્ણવો પોતાના પરિવારથી અલગ થઈ ગયા હતા. તેમની વૈષ્ણવતાને તેમણે જોખમમાં મૂકી ન હતી. જો આપણે આપણી વૈષ્ણવતા સજાવી રાખવાની બાબતમાં ગફલતમાં રહીએ તો શકય છે કે એક દિવસ આપણા જીવનમાંથી વૈષ્ણવતા ચાલી જશે, હાથમાં આવેલો હીરો આપણે ગુમાવી દઇશું.

      ઘરના વડીલોએ પ્રેમથી ઘરનાં સૌને સેવામાં જોડવાં જોઈએ. તેમનામાં સેવા કરવાનો રસ અને ઉત્સાહ જાગે એમ કરવું જોઈએ. દરેકને શ્રીઠાકોરજીની  કઈક ને કઈક સેવા સોપવી જોઈએ. ઘરમાં વૈષ્ણવી માહોલ બની રહે એવું ઘડતર કરવું જોઈએ. દિવસમાં એક વખત અનુકૂળ સમયે સૌને સાથે બેસાડી સત્સંગ કરવો જોઈએ. જે ઘરમાં સત્સંગ ન હોય એ ઘર પણ વૈષ્ણવી ઘર નથી, એમ સમજવું.

 

     

­­­­

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ