મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૪)

બીજી ભારતયાત્રા :


પહેલી ભારતયાત્રા પૂરી કરીને શ્રીવલ્લભ પોતાના વતન કાંકવાડ પધાર્યા. ત્યાં કુટુંબ સાથે થોડા દિવસ રહ્યા. વડીલોની મિલકતની વહેંચણી કરી, પોતે માત્ર શ્રીશાલિગ્રામજી, શ્રીમુકુંદરાયજી અને મદનમોહનજીના સ્વરૂપ તથા શ્રીભાગવતની પોથી માંગી લીધાં. ઘર, ધન વગેરેમાં કોઇ ભાગ માગ્યો નહીં. ત્યાંથી આપ પોતાના મોસાળ વિજયનગર ગયા. ત્યાંથી માતાને લઇ કાશી પધાર્યા. માતાની ઇચ્છા એકાંત, શાંત સ્થળમાં રહેવાની હતી, તેથી પ્રયાગમાં શ્રીયમુનાજીના સામા કિનારે આવેલા અડેલ નામના ગામમાં ઝૂંપડી બનાવી, ત્યાં કાયમી નિવાસ કર્યો. ત્યાં આપશ્રીએ સુબોધિની નું લેખનકાર્ય આગળ વધાર્યું.

ઝારખંડ :
બે વર્ષ બાદ સંવત ૧૫૫૪માં આપ બીજી ભારતયાત્રાએ નીકળ્યા, આ વખતે આપની સાથે આપના ચાર-પાંચ સેવકો હતા. યાત્રા દરમ્યાન આપ બિહારમાં આવેલા ઝારખંડ નામના પ્રદેશમાં હતા, ત્યારે ત્યાં પ્રભુએ આપશ્રી સાક્ષાત્ દર્શન આપીને આજ્ઞા કરી કે હું વ્રજમાં શ્રીગિરિરાજ પર્વતમાંથી પ્રગટ થયો છુ. મારું નામ શ્રી ગોવર્ધનનાથ છે. મને અહીં સૌ દેવદમન કહે છે. આપ વ્રજમાં આવો. મને પર્વતમાંથી મંદિરમાં પધરાવી, મારી સેવા શરૂ કરો. શ્રીવલ્લભ જગન્નાથપુરી જઇ રહ્યા હતા, તે યાત્રા અધૂરી મૂકી, વ્રજમાં વૈશાખ સુદ બીજની સાંજે શ્રીગિરિરાજ પર્વતની તળેટીમાં આવેલા આન્યોર નામના નાનકડા ગામે પહોંચ્યા.

આન્યોર :
ગામના મુખી સદુપાંડેના ઘર પાસેના ચોતરા ઉપર મુકામ કર્યો. તેમની પાસેથી દેવદમનના પ્રાગટયની વિગતો જાણી. બીજા દિવસે અખાત્રીજ હતી. શુભ મૂહુર્તમાં શ્રીગિરિરાજ પર્વત ઉપર જતાં પહેલા આપે શ્રીગિરિરાજની સ્તુતિ કરી, અને આજ્ઞા માગી, પર્વત ઉપર પધારી, વ્રજવાસીઓની સહાયથી શ્રીગોવર્ધનનાથજીના સ્વરૂપને પર્વતમાંથી બહાર પધરાવ્યું. પર્વત ઉપર ઈંટ-માટીનું નાનકડું મંદિર બનાવી, આપે પ્રભુને તેમાં પધરાવ્યા, માનસી ગંગાના જળથી સ્નાન કરાવી, સફેદ ધોતી ઉપરણો અને પાધ ધરાવ્યાં. ગુંજામાળા તથા પુષ્પમાળા ધરાવી, જાતે સામગ્રી બનાવી ભોગ ધર્યો. તે પર્વતની એક ગુફામાં રહેલા રામદાસ નામના એક વિરક્ત ભક્તને બોલાવી, તેમને સેવક કરી, શ્રીનાથજીની સેવા સોંપી. જમુનાવતા ગામના ભક્ત કવિ કુંભનદાસને સેવક કરી, કીર્તનની સેવા સોંપી. તેમણે સદુપાંડે વગેરેને શ્રીનાથજીની સેવા સારી રીતે કરવા ભલામણ કરી.



પંઢરપુર :

પછી આપ અધૂરી મૂકેલી યાત્રા પૂરી કરવા પાછા ઝારખંડ પધાર્યા. ત્યાંથી જગન્નાથપુરી થઈ, દક્ષિણ ભારત ની યાત્રા કરી, પંઢરપુર પધાર્યા. ત્યાં આપે ભગવાન શ્રીવિઠોબાનાં દર્શન કર્યા. શ્રીવિઠોબા આપને મળવા સામે
પધાર્યા, અને આજ્ઞા કરી કે તમે લગ્ન કરો. શ્રીવિઠોબા શ્રીવલ્લભને આજ્ઞા કરી કેઃ મારે તમારા ત્યાં પુત્ર બનીને પ્રગટ થવું છે. માટે તમે લગ્ન કરો. શ્રીવલ્લભની લગ્ન કરવાની જરા પણ ઇચ્છા ન હતી, પરંતુ પ્રભુની આજ્ઞા થતાં આપે વિચાર બદલ્યો.
ત્યાંથી આપ ગુજરાત પધાર્યા. ગુજરાતથી ઉત્તરમાં બદ્રીનારયણ પધાર્યા ત્યાંથી વ્યાસમુનિના આશ્રમે પધાર્યા. પાછાં ફરતાં હરિદ્વાર થઇ, કનોજ પધાર્યા. ત્યાંથી પ્રયાગ થઇ, અડેલ પધાર્યા. પ્રયાગમાં ચારે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોએ આપશ્રી અપૂર્વ સન્માન કર્યું. બીજી ભારતયાત્રા ચાર વર્ષના ટૂંકા ગાળામાં ઇ.સ. ૧૫૦૧માં પૂરી થઇ.

શ્રીવલ્લભનું લગ્ન :

શ્રીવલ્લભના પિતા લક્ષ્મણ ભટ્ટના સેવક, ચૌડાનગરના દિવાન કૃષ્ણદાસના પુત્ર પુરુષોત્તમદાસ કાશીના નગરશેઠ હતા.તેઓ શ્રીવલ્લભના સેવક હતા. શ્રીવલ્લભ કાશી પધારતા, ત્યારે તેમને ત્યાં જ મુકામ કરતા. બીજી યાત્રા પછી શ્રીવલ્લભ કાશી પધાર્યા, ત્યારે આપની જ્ઞાતિના દેવન ભટ્ટ અને તેમનાં પત્ની અત્રિમ્મા શ્રીવલ્લભને મળવા આવ્યાં. તેમણે કહ્યું કેઃ અમને ભગવાનની આજ્ઞા થઇ છે, તેથી આવ્યા છીએ. અમારી સુપુત્રી મહાલક્ષ્મી સાથે આપ લગ્ન કરો. શ્રીવલ્લભને પંઢરપુરમાં થયેલી ભગવાનની આજ્ઞા યાદ હતી. તેથી આપે તેઓને તેમનાં માતાને મળવા કહ્યું.
અડેલથી માતાને કાશી બોલાવ્યો. વતનથી કાકા અને ભાઇઓને પણ કાશી બોલાવ્યા. સૌના આવ્યા પછી લગ્ન નક્કી થયાં. ત્રેવીસ વર્ષની ઉંમરે ઇ.સ. ૧૫૦૧ ના અષાઢ સુદ પાંચમે શ્રીવલ્લભનાં લગ્ન કાશીમાં ખૂબ ધામધૂમથી થયાં. લગ્ન પછી શ્રીવલ્લભ કુટુંબ સાથે છ માસ સુધી કાશીમાં બિરાજ્યા. ત્યારબાદ વડીલોની આજ્ઞા લઇ આપ ઈ.સ. ૧૫૦૨માં ત્રીજી ભારતયાત્રા કરવા પધાર્યા.


ત્રીજી ભારતયાત્રાઃ


શ્રીનાથજીનું નવું મંદિર :
શ્રીવલ્લભ કાશીથી માણેકપૂર થઇ, આગ્રા પધાર્યા. ત્યાંથી વ્રજમાં પધાર્યા. ગોકુળમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો. એક વસ્ત્રનું પલનું બનાવી, તેમાં શ્રીઠાકોરજીને ઝૂલાવ્યા. ત્યાંથી આપ શ્રીગિરિરાજ પધાર્યાં. શ્રીગોવર્ધનાથજીએ પોતાનું નવું મંદિર બનાવવા માટે પંજાબના અંબાલા શહેરમાં રહેતા પૂરણમલ નામના શ્રીમંત વેપારીને સ્વપ્નમાં આજ્ઞા કરી હતી. તેથી તેઓ શ્રીગિરિરાજ આવ્યા હતા. તેમની વિનંતીથી તેમને સેવક કરી, શ્રીનાથજીનું નવું ભવ્ય મંદિર બંધાવવાની આજ્ઞા આપી. પછી શ્રીવલ્લભે વ્રજપરિક્રમા કરી.
ત્યાંથી આપ ભારતયાત્રાએ આગળ પધાર્યા. યાત્રા દરમ્યાન શ્રીનાથજીનું નવું મંદિર તૈયાર થતાં, આપ પાછા શ્રીગિરિરાજ પધાર્યા. ઇ.સ. ૧૫૦૭ સંવત ૧૫૬૪ના વૈશાખ સુખ ત્રીજના દિવસે શ્રીનાથજીને નવા મંદિરમાં પધરાવ્યા.

વિજયનગરઃ
ફરી ભારતયાત્રાએ નીકળ્યા. યાત્રા કરતાં કરતાં દક્ષિણ ભારતમાં પોતાના વતન કાંકરવાડ ગયા. ત્યાં આપશ્રીને સમાચાર મળ્યા, કે વિજયનગરમાં ત્યાંના રાજા કૃષ્ણદેવરાયની સભામાં શૈવ આચાર્યો અને વૈષ્ણવ આચાર્યો વચ્ચે મોટી શાસ્ત્ર ચર્ચા ચાલી રહી છે. આ વાત સાંભળી તેઓ તરત જ વિજયનગર પધાર્યા. તે દિવસે ચર્ચનો છેલ્લો દિવસ હતો. તેથી દ્વારપાળોને આજ્ઞા થઈ હતી, કે આજે કોઇ નવા વિદ્વાનને આવવા દેવા નહિ. શ્રીવલ્લભ સભાના દ્વારે ગયા. આપશ્રીના તેજથી દ્વારપાળ અંજાઇ ગયા. તેમણે રાજા કૃષ્ણદેવરાયને સમાચાર આપ્યા. કૃષ્ણદેવરાય જાતે દરવાજે આવ્યા. બહુમાનપૂર્વક શ્રીવલ્લભને સભામાં પધરાવ્યાં. સભાપતિ તરીકે માધ્વ સંપ્રદાયના આચાર્ય વ્યાસતીર્થ હતા. તેમની રજા લઇ શ્રીવલ્લભે શાંકરમત વિદ્વાનો સાથે શાસ્ત્રચર્ચા શરૂ કરી, તે સતત અઠ્યાવીસ દિવસ સુધી ચાલી તેમાં શ્રીવલ્લભનો વિજય થયો. સૌ ઘણા પ્રસન્ન થયા. શ્રીવલ્લભે પોતાનો શુદ્ધાદ્વેત બ્રહ્મવાદનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો.

રાજા કૃષ્ણદેવરાયે સો મણ સોનાનાં ફૂલો પવિત્ર નદીઓના જળમાં પધરાવી, વેદમંત્રોચાર સાથે તે જળથી શ્રીવલ્લભનો કનકાભિષેક કર્યો. એક અઠવાડિયા સુધી વિવિધ કિંમતી ધાતુઓથી શ્રીવલ્લભનો અભિષેક થતો રહ્યો. આ બધું જ દ્રવ્ય શ્રીવલ્લભને ભેટ ધરવામાં આવ્યું. આચાર્યો અને વિદ્વાનોની સંમતિથી કૃષ્ણદેવરાયે શ્રીવલ્લભને વિજય તિલક કર્યું. શ્રીવલ્લભને અખંડભૂમંડલાચાર્યવર્ય ચક્રચુડામણિ જગદ્ગુરૂની પદવીથી સન્માયા. રાજાએ ધરેલી ભેટ શ્રીવલ્લભે ન સ્વીકારી. કારણકે તે સ્નાનનું જળ હોવાથી અપવિત્ર કહેવાય. વળી શ્રીવલ્લભની આજ્ઞાથી ભેટમાં ધરેલું બધું દ્રવ્ય બ્રાહ્મણોને દાન કરવામાં આવ્યું. શ્રીવલ્લભનો એવો ત્યાગ જોઇ સમગ્ર ધર્મસભા આશ્ચર્યચકિત થઇ ગઇ. રાજા કૃષ્ણદેવરાય અને તેમનો પરિવાર  શ્રીવલ્લભના સેવક થયા, તેમણે ગુરુદક્ષિણામાં સોનામહોરો ભરેલો એક મોટો થાળ ભેટ ધર્યો. તેમાંથી સાત દૈવી સોનામહોરો શ્રીવલ્લભે વીણી લીધી. તેનાં નુપૂર બનાવી, વિજયનગરમાં બિરાજતા ભગવાન શ્રીવિઠ્ઠલનાથજીને અર્પણ કર્યા.
ત્યાંથી શ્રીવલ્લભ યાત્રા કરતા ઇ.સ. ૧૫૦૯માં અડેલ પધાર્યા. તે સાથે આપશ્રીની ત્રીજી ભારતયાત્રા સાત વર્ષમાં પૂરી થઇ. આમ, એકત્રીસ વર્ષની ઉંમર થતાં સુધીમાં આપે સતત અઢાર વર્ષ ભારતયાત્રામાં ગાળ્યાં. યાત્રા દમ્યાન સખત ઠંડી, ગરમી અને વરસાદ સહન કર્યા. ખરાબ રસ્તાઓ અને સંકટોને ગણકાર્યા વિના ખુલ્લા ચરણથી ચાલ્યા. ગામ બહાર ખુલ્લા આકાશ નીચે વૃક્ષની છાયામાં વાસ કર્યો, સ્વયંપાકી રહ્યા. ઠેર ઠેર શ્રીભાગવતનાં પારાયણ કર્યા.

તે સમયના ભારતના હિન્દુ સમાજનાં દુઃખ નજરોનજર જોયાં. હિન્દુધર્મની બગડી ગયેલી સ્થિતિ જોઇ. આપે હિન્દુ પ્રજાને પ્રોત્સાહન આપી, નિર્ભય બનાવી. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું. હિન્દુ પ્રજાના ખમીરને જાગૃત કર્યુ. પ્રજામાં નવચેતન રેડયું.

આ ત્રણ યાત્રા દરમ્યાન આપે વેદ, બ્રહ્મસૂત્રો, ગીતા અને ભાગવતનાં પ્રમાણોથી અન્ય મતોનું ખંડન કરી, પોતાનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો મત સ્થાપ્યો. તે અનુસાર નિર્ગુણ ભક્તિમાર્ગ એવો પુષ્ટિમાર્ગ પણ સ્થાપ્યો.  તે દ્વારા સ્ત્રીઓ, શૂદ્રો જેવા હીન કોટિના જીવોને ભક્તિમાર્ગનાં અધિકારી બનાવ્યા. સરળ, સુંદર અને શ્રેષ્ઠ ધર્માચરણનો માર્ગ બતાવ્યો. શ્રીભાગવતનું ગૂઢ રહસ્ય પ્રગટ કર્યું. અનેક ગ્રંથો લખ્યા. આ બધું જ કાર્ય સતત પદયાત્રા કરતાં કરતાં કર્યુ.





ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ