મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૩)

 પ્રથમ ભારતયાત્રા

 

લક્ષ્મણભટ્ટજીને જ્યોતિષ વિદ્યાનુ ઊંડું જ્ઞાન હતું. તેમને ખબર પડી હતી, કે તેમનો જીવનકાળ પૂરો થવા આવ્યો છે. તેમણે બધી મિલકત ભાઈ અને પુત્રોને વહેંચી આપી. શ્રીવલ્લભને આચાર્યપદ પ્રાપ્ત કરી, ભક્તિમાર્ગનો વિસ્તાર કરવાની શિખામણ આપી. ઇ.સ.૧૪૮૮ માં (સંવત ૧૫૪૫માં) તેઓ તિરૂપતિ બાલાજીમાં હરિશરણ થયા.

ત્યારબાદ અગિયાર વર્ષની કિશોરવયમાં શ્રીવલ્લભે ભારતની પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો. કાકા, માતા તથા મોટાભાઇને મનાવી, તેમની આજ્ઞા લીધી. પિતાના ચાર વિદ્વાન શિષ્યોને સાથે લીધા. આપે આજીવન સીવેલું વસ્ત્ર ધારણ ન કરવાનો નિશ્ચય કર્યો. આપ કેવળ સફેદ ધોતીઉપરણો ધારણ કરતા. આપે ચરણમાં પાદુકા પણ ન પહેરવાનો સંકલ્પ કર્યો. આપ ખુલ્લા ચરણે ચાલતા. શ્રીઠાકોરજીના ઝાંપીજી પોતાના મસ્તકે મૂકી ચાલતા. સામાન્ય રીતે ગામ બહાર જલાશયના કિનારે વૃક્ષ નીચે જ મુકામ કરતા. જાતે જ રસોઇ બનાવી, શ્રીઠાકોરજીને ભોગ ધરી,ભોજન કરતા. તીર્થસ્થાનમાં શ્રીભાગવતનું પારાયણ કરતા, સ્થાનિક વિદ્વાનો સાથે શાસ્ત્રચર્ચા કરતા. પોતાનો બ્રહ્મવાદનો સિદ્ધાંત તેમના ગળે ઉતરાવતા. માયાવાદનું ખંડન કરતા. તેમના શરણે આવનારને શ્રીઅષ્ટાક્ષરમંત્રની દીક્ષા આપી વૈષ્ણવ કરતા.

 ચંપારણ્ય :

દામોદરદાસ હરસાની અને શ્રી વલ્લભ

    કાશીથી આપ પોતાના પ્રાગટ્ય સ્થાન ચંપારણ્ય ગયા. ત્યાં તેઓ મહિનો બિરાજ્યા. સૌ પહેલું શ્રીભાગવતપારાયણ ત્યાં કર્યું. ત્યાંથી તેઓ જગન્નાથપુરી તરફ ગયા. રસ્તામાં વર્ધા શહેરમાં એક શ્રીમંત વેપારીના જન્મજાત વિરક્ત યુવાન પુત્રનો આપને ભેટો થયો. તે યુવાનનું નામ દામેદારદાસ હરસાની હતું. તે તેમના કુટુંબને છોડીને શ્રીવલ્લભના શરણે આવ્યા. તેમના સેવક થયા. આજીવન તેમની સેવામાં રહ્યા.

જગન્નાથપુરી :

    શ્રીવલ્લભ જગન્નાથપુરી ગયા. એકાદશીનો દિવસ હતો, આપ કેવળ જલપાન કરીને જ એકાદશી કરતા હતા. સવારે આપ શ્રીજગન્નાથજીનાં દર્શન કરવા મંદિરમાં ગયા. ત્યાં એક બ્રાહ્મણે આપના હાથમાં શ્રીજગન્નાથજીનો ભાતનો પ્રસાદ મૂકયો. પ્રસાદનો અનાદર ન થાય, તેથી શ્રીવલ્લભ મંદિરમાં જગન્નાથજીની સામે મંડપમાં ઊભા રહ્યા. જમણા હાથમાં પ્રસાદ રાખી, બારસની સવાર સુધી આપશ્રીએ શ્રીઠાકોરજીનાં ગુણગાન ગાયાં. ત્યાં હાજર રહેલા સૌ પ્રભાવિત થયા. સૌને એમ જ લાગ્યું કે સાક્ષત્ શ્રીશુકદેવજી જ પધાર્યા છે. જે સ્થાને ઊભા રહીને શ્રીવલ્લભે ચોવીસ કલાક ગુણગાન ગાર્યો, તે સ્થળ પાસેની દિવાલમાં આપના ડાબા હાથની આંગળીઓનાં ચિન્હ આજે પણ સ્પષ્ટ રીતે નજરે પડે છે. આપનાં ગુણગાનથી પથ્થરની જડ દિવાલો પણ જાણે પીગળી માખણ જેવી બની ગઈ.

 તે વખતે જગન્નાથપુરીમાં રાજા ગજપતિ પુરુષોત્તમ હતા. તેઓ ધર્મના જાણકાર અને વિદ્વાન હતા. તેમના દરબારમાં આવતા વિદ્વાનો ધર્મસંબંધી જુદી જુદી વાતો કહેતા. તેથી મતભેદ ઊભો થયો હતો. તે દૂર કરવા માટે તેમણે જગન્નાથજીના મંદિરમાં એક મોટી ધર્મસભા બોલાવી. તેમાં શ્રીવલ્લભ પણ હાજર હતા. ઘણી ચર્ચા થઇ, પરંતુ એકમત ન થતાં, રાજાએ સભા સમક્ષ ચાર પ્રશ્નો મૂક્યા હતા. (૧) સૌથી મોટા દેવ કોણ? (૨) સૌથી મુખ્ય ગ્રંથ કયો? (૩) સૌથી મુખ્ય મંત્ર કર્યો? (૪) સૌથી મુખ્ય કર્મ કર્યું? દરેક વિદ્વાનના જવાબ જુદા હતા. શ્રીવલ્લભે કહ્યું : મુખ્ય દેવ શ્રીકૃષ્ણ છે. મુખ્ય ગ્રંથ ગીતા છે. મુખ્ય મંત્ર શ્રીકૃષ્ણનું નામ છે. મુખ્ય કર્મ શ્રીકૃષ્ણની સેવા છે. સૌએ આ વાત ન સ્વીકારી, ત્યારે શ્રીવલ્લભ કહ્યું: આ ચાર પ્રશ્નોનો જવાબ શ્રીજગન્નાથજી પાસેથી આપણે મેળવીએ. તેઓ જે કહે, તે આપણને કબૂલ હોવું જોઇએ. સૌ સંમત થયા. શ્રીજગન્નાથજીની સામે કોરો કાગળ, કલમ અને ખડિયો મૂકવામાં આવ્યા. દ્વાર બંધ થયાં. દ્વાર ખોલ્યાં, ત્યારે કાગળ ઉપર શ્રીજગન્નાથજીએ જ જવાબ લખ્યા હતા, જે શ્રીવલ્લભે કહ્યા હતા. રાજાએ તથા પંડિતોએ શ્રીવલ્લભનું પૂજન કરી, વિજયમાળા પહેરાવી.


MAHAPRABHUJI " movie review


 ઉજ્જૈનઃ

    ત્યાંથી શ્રીવલ્લભ કાશી પધાર્યા. કાશીથી પ્રયાણ કરી, ઉજ્જૈન પધાર્યા. ઉજ્જૈનમાં જ્યાં સાંદિપની ઋષિનો આશ્રમ હતો તે સ્થાનમાં મુકામ કર્યો. તે વેરાન જગ્યામાં એક પણ વૃક્ષ ન હતું. ત્યાં કૃષ્ણકુંડ હતો. તેમાં સ્નાન કરી, આપ સંધ્યાવંદન કરતા હતા, ત્યારે પીપળાનું એક પાન ઊડીને ત્યાં આવ્યું. શ્રીવલ્લભે તેને જમીનમાં રોપી, જળ રેડ્યું. તે સાથે એક ચમત્કાર થયો. ત્યાં મોટું, ઘટાદાર પીપળાનું વૃક્ષ બની ગયું. તેની નીચે બિરાજીને શ્રીવલ્લભે શ્રીભાગવતનું પારાયણ કર્યું.

    આ ચમત્કારની વાત જાણીને ઉજ્જૈનના માયાવાદી પંડિતો આપશ્રી સાથે શાસ્ત્રચર્ચા કરવા આવ્યા. શ્રીવલ્લભને મૂંઝવવા માટે સૌ પંડિતો એકસાથે જુદા જુદા પ્રશ્નો પૂછવા લાગ્યા. અને સાથે જ જવાબ મેળવવાનો આગ્રહ રાખ્યો. આથી જેટલા પંડિતો હતા, એટલાં રૂપ ધારણ કરીને શ્રીવલ્લભે સૌના પ્રશ્નોના એકીસાથે જવાબ આપ્યા.બધા પંડિતો હારી ગયા. શરમાઇને ચાલ્યા ગયા.

છા-નકાભિષેક:

શ્રી વલ્લભ નો કનકાભિષેક

ઉજ્જૈનથી શ્રીવલ્લભ મધ્યપ્રદેશમાં આવેલા ઓડછા નામના રાજ્યમાં પધાર્યા.. ઓડછા રાજ્યની રાજધાની ગઢકુંડાર નામના શહેરમાં હતી. ત્યાં મલખાનસિંહ નામના રજપૂત રાજા રાજ્ય કરતાં હતા. તે સમયે ત્યાં એક શાંકર વિદ્વાન ભારે બળિયો હતો. તે પોતાની સાથે એક ઘડો રાખતો તેમાં મંત્રવિદ્યાથી સરસ્વતીદેવીનું આહવાન કરી, તેમની પાસે પોતાને અનુકૂળ આવે, તેવી વાત બોલાવતો, તેથી લોકો તેને ઘટ સરસ્વતી કહેતા. છેતરપિંડી કરીને તે સમર્થ વિદ્વાનોને હરાવતી.

આ ઘટ સરસ્વતી સાથે રાજ્યસભામાં શ્રીવલ્લભે શાસ્ત્રાર્થ કર્યો. ઘડામાંથી સરસ્વતીદેવીએ શ્રીવલ્લભની તરફેણમાં નિણર્ય આપ્યો. ઘટસરસ્વતી હારી ગયો. આખી રાજ્યસભા શ્રીવલ્લભથી પ્રભાવિત થઇ. રાજાએ શ્રીવલ્લભનો કનકાભિષેક કર્યો. તે સમયમાં કનકાભિષેક વિદ્વાનને અપાતું સૌથી મોટું સન્માન હતું. ત્યાં હાજર રહેલા વિદ્વાનોએ શ્રીવલ્લભને આચાર્યપદવી પ્રદાન કરી. શ્રીવલ્લભ હવે શ્રીવલ્લભાચાર્ય કહેવાયા.

મથુરા:

ત્યાંથી શ્રીવલ્લભ વિંધ્યાચળ પર્વત ઓળંગી આપશ્રી વતન આંધ્રપ્રદેશમાં પધાર્યા. ત્યાંથી માતાને સાથે લઇ બાલાજીનાં દર્શન કરાવ્યાં. પછી આપશ્રી મોસાળ વિજયનગર પધાર્યા. ત્યાંથી આગળ યાત્રા કરતાં આપ મથુરા પધાર્યા. ત્યાંના ચોબાઓએ શ્રીવલ્લભને કહ્યું. મહારાજ, અહીંના મુસલમાન સુબાએ વિશ્રામઘાટ પર મંત્રેલું એવું યંત્ર લગાવ્યું છે કે તેની નીચેથી પસાર થનાર હિંદુની ચોટલી કપાઇ જાય છે, અને મુસલમાન જેવી દાઢી બની જાય છે. આવી રીતે તેઓ હિંદુઓને વટલાવી મુસલમાન બનાવી દે છે. છ મહિનાથી કોઇ યમુનાસ્નાન કરવા જઇ શક્યું નથી. શ્રીવલ્લભે સુબાને સમજાવવાને પ્રયત્ન કર્યો, પરંતુ તે ન માન્યો. તેથી આપશ્રીએ સેવક ને આજ્ઞા કરીઃ આ યંત્ર લઇ તમે દિલ્હી જાવ. ત્યાંના મુખ્ય દરવાજે લગાવો. તે પ્રમાણે કરતાં, ત્યાંથી પસાર થનાર મુસલમાનની દાઢી કપાઇ જઇ ચોટલી બનવા લાગી. આ વાત દિલ્હી બાદશાહ સિકંદર લોદીએ જાણી. તેણે તરત જ મથુરાનું યંત્ર ઊઠાવી લેવા ત્યાંના સુબાને હુકમ મોકલ્યો. આમ, શ્રીવલ્લભે હિંદુધર્મની અને હિંદુ પ્રજાની રક્ષા કરી.

 બહુલાવન :

પછી આપ વ્રજ પરિક્રમા કરવા પધાર્યા. બહુલાવનમાં ત્યાંના વ્રજવાસીઓએ ફરિયાદ કરીકે, અહીંનો મુસલમાન સરદાર અમને પવિત્ર બહુલા ગાયની મૂર્તિની પૂજા કરવા દેતો નથી. તે કહે છે કે  જો આ પથ્થરની ગાય ઘાસચારો ખાય; તો જ તેની પૂજા કરવા દઉં. શ્રીવલ્લભે મુસલમાન સરદારને બોલાવ્યો. તેની નજર સામે ગાયની મૂર્તિના પૂંછડા પાસે ઘાસનો પૂળો મૂકાવ્યો. પથ્થરની ગાય જીવતી બની, મ્હોં ફેરવી, ઘાસ ખાવા લાગી. આશ્ચર્ય પામેલા મુસલમાન સરદારે શ્રીવલ્લભની માફી માગી અને બહુલા ગાયની પૂજા પરનો પ્રતિબંધ ઊઠાવી લીધો.

 વ્રજયાત્રા :

વ્રજયાત્રાના માર્ગમાં ઘણાં કાંટા, કાંકરા, ગોખરું હતાં. રસ્તાઓ ખાડા ટેકરાવાળા હતા. શ્રીવલ્લભે વ્રજવાસીઓ અને પોતાના સેવકોની મદદથી વ્રજભૂમિને સુંદર, મુલાયમ અને ખુલ્લા પગે ચાલવા યોગ્ય બનાવી. આપશ્રીએ ઠેરઠેર નવા વૃક્ષો રોપાવ્યાં. છ મહિને વ્રજપરિક્રમા પુરી કરી. પછી વૃંદાવનમાં છ મહિના મુકામ કરી, શ્રીભાગવતનાં ત્રીસ પારાયણ કર્યા. ત્યાંના વિદ્વાનોએ આપશ્રીનું બહુમાન કર્યું.

ગોકુળ :

ત્યાંથી શ્રીવલ્લભ ગોકુળ પધાર્યા. સંવત ૧૫૪૯ના શ્રાવણ સુદ ત્રીજનો દિવસ હતો. આપશ્રીની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. ત્યાં ગાઢ જંગલ હતું. પ્રાચીન ગોકુળના કોઇ અવશેષ દેખાતા ન હતા. આપશ્રીએ શ્રીયમુનાજીના કિનારે મુકામ કર્યો. તે વખત સાક્ષાત્ શ્રીયમુનાજી ત્યાં પધાર્યા, અને કહ્યું : આ ગોવિંદઘાટ છે. આપ અહીં બિરાજો. શ્રીવલ્લભે શ્રીયમુનાષ્ટક સ્તોત્ર રચીને, શ્રીયમુનાજીની સ્તુતિ કરી. પછી ત્યાં આપે શ્રીભાગવતનું પારાયણ કર્યું.

ત્યાંથી આપ ગુજરાત પધાર્યા. ગુજરાતની યાત્રા કરી, નારાયણ સરોવરથી સિંધમાં થઇ, હિમાચલ પ્રદેશમાં પધાર્યા. હિમાલયની યાત્રા પૂરી કરી, ઉત્તરપ્રદેશમાં આવેલા કનોજ તરફ પધાર્યા. કનોજ થી પ્રયાગ થઇ, કાશી પાછા પધાર્યા.

આમ,  સંવત ૧૫૪૫ થી સંવત ૧૫૫૨ સુધી સાત વર્ષમાં આપે પ્રથમ ભારતયાત્રાકરી.


મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૪)

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ