Pushtimargiya Seva Part-2

 Pushtimargiya Seva Part-1


સેવા માટેની આવશ્યકતાઓ

      શ્રીમહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં સેવા માટેની ત્રણ આવશ્યકતાઓ બતાવી.



      ૧) ઘરમાં રહીને સેવા કરવી

      મંદિરોમાં ચાલતો પુજા પ્રકાર સેવાના સ્વરૂપ સાથે સુસંગત નથી, કારણકે પુજા એટલે દેવને અપાતો આદરભાવ. આદર જાહેરમાં વ્યક્ત કરી શકાય, પરંતુ સ્નેહભાવ જાહેરમાં વ્યક્ત કરી શકતો નથી. માતા પોતાનો વાત્સલ્યભાવ અને પત્ની પોતાનો માધુર્યભાવ જાહેરમાં વ્યક્ત કરતાં નથી. તે માટેનું યોગ્ય સ્થળ ઘરનું એકાંત છે. માટે ઘરમાં રહીને સેવા દ્વારા શ્રીઠાકોરજી પ્રત્યેના પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવાની આજ્ઞા શ્રીમહાપ્રભુજીએ કરી.

      સેવકે પોતાના જ ઘરમાં રહેતા પોતાના કુટુંબીઓ અને પોતાની સંપતિનો ઉપયોગ સેવામાં કરી શકે. જાહેર સ્થાનમાં તે સ્વતંત્ર રીતે સેવા કરી શકતો નથી. ત્યાં પોતાના કુટુંબ અને સંપતિનો પોતાની સાથે સેવામાં ઉપયોગ કરી શકતો નથી. વળી પોતાના ઘરનો ઉપયોગ તો સેવામાં થતો જ નથી. આથી પણ શ્રીમહાપ્રભુજીએ ગૃહસેવાનો આગ્રહ સેવ્યો.

      જાહેર સ્થાનમાં માનો કે આ બધાનો ઉપયોગ કરીને સેવા કરવાની અનુકૂળતા મળે તોય તે કાયમ માટે શક્ય ન બને. જાગવાથી સુવા સુધી બધી વૃતિઓ અને પ્રવૃતિઓ ને સેવામાં જોડી શકાય નહી. આથી સેવા પાર્ટટાઇમ થઈ જાય. પરિણામે માનસી સુધી પહોંચી શકાય નહી. આથી પણ શ્રીમહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં સેવકને વ્યસન અવસ્થા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ઘર છોડવાની સ્પષ્ટ ના પાડી છે.

      ઘર છોડીને જાહેર સ્થાનમાં સેવા કરવા જતાં ત્યાં આવનાર અન્ય વ્યક્તિઓનો દુ:સંગ લાગવાની પણ સંભાવના છે. જે આપણને સેવાથી વિમુખ કરે. કદાચ ત્યાં સેવા કેવળ કર્મકાંડ બની રહે. આ બધા કારણોનો વિચાર કરીને શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ગૃહસ્થે ઘરમાં રહીને જ સેવા કરવી.

૨) સેવાનો સ્વધર્મ સમજીને સેવા કરવી:

      સ્વધર્મમાં દેહધર્મ અને આત્મધર્મ બંનેનો સમાવેશ થાય છે. સેવક જે વર્ણ અને આશ્રમનો હોય તે વર્ણાશ્રમના ધર્મ તેના દેહધર્મ છે. ગૃહસ્થ વૈશ્ય માટે વ્યાપાર, ખેતી વગેરે દ્વારા આજીવિકા મેળવવી અને તેનાથી ઘર ચલાવવું એ તેનો દેહધર્મ છે. સૌ માટે દેહધર્મ જુદા હોઈ શકે પણ આત્મધર્મ એક જ છે કારણકે આત્માને કોઈ વર્ણ કે આશ્રમ નથી. સૌનો આત્મધર્મ ભગવદસેવા છે. વેદની મર્યાદા મુજબ સ્ત્રીઓ અને શુદ્રો યજ્ઞ વગેરે ધર્મકાર્યો કરી શકતાં નથી. તેને પૂજાનો અધિકાર નથી. પરંતુ સૌને સેવાનો અધિકાર તો છે. આથી શ્રીમહાપ્રભુજીએ સમજાવ્યું કે સ્વધર્મ સમજીને સેવા કરવી.

      વિરક્ત અને ગૃહસ્થ બંને પોતપોતાની રીતે સેવા કરી શકે છે. રાયથી રંક અને વિદ્વાનથી મૂઢ સરખી રીતે સેવા કરી શકે છે. એટલે સેવા કોઈનો ખાસ વિશેષાધિકાર નથી. સૌ પોતપોતાની પરિસ્થિતિ અનુસાર પોતાના ઘરમાં પોતાની આજીવિકાથી સેવા કરતાં કરતાં માનસી સુધી પહોંચી શકે છે. એટલે સ્વધર્મ સમજીને સેવા કરવી જરૂરી છે.

૩) મનને સર્વ લૌકિક વિચારોમાંથી મુક્ત કરી પ્રભુમાં જોડવું:

      આ સેવા માટેની ત્રીજી આવશયકતા છે. ઘર છોડવાનું નથી. ગૃહસ્થીની જવાબદારીઓ છોડવાની નથી. તે બજાવતાં બજાવતાં મન તેમાંથી છોડવાનું છે અને પ્રભુમાં જોડવાનું છે. ભગવદકૃપાથી અને સતત પ્રયાસથી તે મુશ્કેલ નથી.

      સંસ્કૃતમાં સ્નેહ શબ્દ તેલ માટે વપરાય છે. તેલની ચિકાશ ગમે ત્યાં ચોંટી જાય છે. મનનો સ્વભાવ છે કે મનને જ્યાં સ્નેહ થાય ત્યાં મન ચોંટી જાય પછી ગમે તે કોલાહલ વચ્ચે પણ મન બીજે ભટકતું નથી. લૌકિકમાં જેમ નટનું મન તેના ચાલવાના દોરડા પર રહે છે અને પનીહારીનું મન તેના માથા પરના બેડામાં લાગેલું રહે છે. તેમ સેવકનું મન સેવામાં ચોંટી જવું તેનું નામ મનની અવ્યાવૃત સ્થિતિ છે. આવી સ્થિતિ સેવકે સિદ્ધ કરવાની છે.

      આ ત્રણ મુખ્ય શરતો બતાવીને શ્રીમહાપ્રભુજીએ વિશેષમાં આજ્ઞા કરી કે ભગવાન શ્રીકૃષ્ણને સ્નેહ કરવાના મુખ્ય બે માર્ગ છે. સેવા અને સ્મરણ. સેવા સ્મરણનું ચક્ર સતત ચાલતું રહે તો તે સેવકના જીવનમાં પ્રેમલક્ષણાભક્તિ સિદ્ધ થાય છે.

      આથી આપણે ખયાલ આવ્યો કે સેવામાં સ્નેહ પ્રધાન છે. માતાને બાળકના ઉછેર માટે સ્નેહ તો જોઇયે જ પરંતુ સાથે સાથે થોડું શિક્ષણ પણ જોઈએ. એકલી પ્રીત કે એકલી રીત ચાલે નહીં. તેમ સેવામાં પણ પ્રીત અને રીત સેવકની જમણી અને ડાબી આખ છે. બંને આખ જરૂરી છે. આથી શ્રીમહાપ્રભુજીએ સમજાવ્યું કે પુષ્ટિમાર્ગમાં વ્રજભકતો, ગુરુ છે. તેમણે જે રીતપ્રીતથી સેવા કરી તે જ રીત-પ્રીત આપણે પણ ઉપયોગમાં લેવાની છે. આથી પુષ્ટિમાર્ગમાં સેવાની પ્રણાલિકા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

        Pushtimargiya Seva Part-1

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ