મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૨)


પ્રાકટય 

શ્રી વલ્લભાચાર્યજીના પિતા લક્ષ્મણુ ભટ્ટજી અને તેમનાં માતા ઇલ્લમાગારું કાશીમાં રહેતા હતાં.  ત્યાં લાંબો કાળ રોકાઇને , તેઓ પોતાના દેશમાં જવાને તૈયાર થયાં હતાં. કાશી છોડવાની તેમની ઇચ્છા નહેાતી, પરંતુ કાશી પર યવનો ચઢી આવે છે એ સમાચાર સાંભળ્યા પછી  શ્રી ભટ્ટજી પેાતાના કુટુંબ સાથે વતન જવા નીકળી પડ્યા. તેમના યજમાન કૃષ્ણદાસે તથા કાશીના બ્રાહ્મણોએ તેમને ભાવભીની વિદાય આપી. શુભ સમય  માં તેમણે પોતાના વતન જવા પ્રયાણ કર્યું. 

માર્ગમાં શ્રી ઇલ્લમાગારૂની તબીયત નરમ થઇ, શ્રીઇલ્લમાગારુને માર્ગના શ્રમથી અધૂરા માસે પ્રસવ થયો હતા. તેમણે આઠ માસે એક બાળકને જન્મ આપ્યો. તે બાળક નિશ્ચેતન દશામાં હોવાથી, તેમને એક ઝાડની બખોલમાં સાચવીને મુકી દીધા. તેઓ ભટ્ટજી પાસે આવ્યા. રડતાં-રડતાં બધા સમાચાર કહ્યા. ભટ્ટજીએ તેમને આશ્વાસન આપ્યું. ઇલ્લમાગારૂજી ખૂબ અશક્ત થઈ ગયા હતાં, પરંતુ ઘોર જંગલમાં આખી રાત રોકાવું જોખમભર્યું હતું. તેથી સૌ ધીમે ધીમે ભગવાનના ભરોસે આગળ ચાલ્યા. 

પાછલી રાતે એક ગામ આવ્યું તે ચૌડાનાગર હતું. ભટ્ટજીને ચૌડાનગરના દીવાન કૃષ્ણદાસ યાદ આવ્યા. તેઓ પરિવારને લઈને તેમને ઘરે ગયા. ગુરુજીને અચાનક જોઈ, કૃષ્ણદાસ અને તેમનું કુટુંબ બહુ રાજી થયું. દીવાનજીએ સૌને પોતાને ત્યાં મુકામ કરાવ્યો. થાક્યા-પાક્યા સૌ સૂતાની સાથે જ ઊંઘી ગયા. ફરી ભગવાને ભટ્ટજીને સ્વપ્નમાં દર્શન આપ્યાં, અને આજ્ઞા કરી કે : હું તમારે ત્યાં પ્રગટ થયો છું. મને મૂકીને ચાલ્યાં ન જશો, પાછા ફરો. ભટ્ટજીએ તરત જ તેમના પત્નીને જગાડીને આ સમાચાર કહ્યાં. સૌ રાજી થયાં. થાક ઉતરી ગયો, ઉત્સાહ વધ્યો.

સવારે સ્નાન કરી, સૌ વન તરફ ચાલ્યા. જે સ્થળે મુકામ કર્યો હતો, ત્યાં આવી પહોંચ્યાં. બધાને ઘણું આશ્ચર્ય થયું. તે વૃક્ષની છાયામાં ચાલીસ હાથ લાંબો અને પહોળો અગ્નિકુંડ હતો. તેની મધ્યમાં નવજાત અદ્ભુત દિવ્ય બાળક કિલકિલાટ હસતું હસતું હાથ પગ ઉછાળતું સૂતું હતું.

ઇલમ્માગારૂજીએ ભટ્ટજીને કહ્યું કે : આ મારો પુત્ર છે, તેને જોતાં જ જુઓ, મારા સ્તનમાથી દૂધ વહેવા લાગ્યું છે.
ભટ્ટજીએ કહ્યું કે : તમારો પુત્ર હશે, તો અગ્નિ જરૂર માર્ગ આપશે. 

ઇલમ્મગારુજી બાળકને લેવા દોડયા. અગ્નિએ માર્ગ આપ્યો. લક્ષ્મણભટ્ટજીએ બાળકના જાતકર્મ સંસ્કાર કર્યા. સ્વપ્ન દ્વારા મળેલા પ્રસાદી ઉપરણું લપેટ્યો. ગળામાં તુલસીની કંઠી પહેરવી. જન્મઘૂટીમાં તાંબુલ આપ્યું. આ દિવસ વીક્રમ સંવત્ ૧૫૩૫ (ઈ. સ. ૧૪૭૮)ના ચૈત્ર વદી ૧૧ ને રવિવારનો દિવસ હતો. મધ્યાહનનો સમય હતો.

બાલ્ય-અવસ્થા


લક્ષ્મણભટ્ટજીએ ચંપારણ્યમાં નદીને કિનારે જ નવજાત બાળકના જાતસંસ્કાર કર્યા, પછી ચૌડાનાગર ગયા. ત્યાથી તેમણે તેમના વતનમાં સમાચાર મોકલ્યા. તેમના ભાઈ તથા કુટુંબીઓને તેડાવ્યા. સૌની હાજરીમાં બાળકનો નામકરણવિધિ કરવામાં આવ્યો. તેમનું દૈવનામ - કૃષ્ણપ્રસાદ, માસનામ - જનાર્દન અને નક્ષત્ર નામ -શ્રાવિષ્ટ રાખવામાં આવ્યું હતું. આ બાળક સૌને પ્રિય હોવાથી, તેમનું પ્રસિદ્ધ નામ વલ્લભ પાડવામાં આવ્યું. વલ્લભ એટલે વ્હાલા. ચૌડાનગરમાં સમાચાર આવ્યા કે દિલ્લીનું લશ્કર હારિને પાછું ભાગી ગયું. કાશીમાં સંપૂર્ણ શાંતિ છે. તેથી લક્ષ્મણભટ્ટજી કુટુંબ સાથે પાછા કાશી ગયા. શ્રીવલ્લભનું બાળપણ કાશીમાં વીત્યું.

શ્રીવલ્લભાચાર્યજીને જ્યારે પાંચમું વર્ષ બેઠું ત્યારે શ્રીલક્ષ્મણભટ્ટજીને ત્રીજા પુત્રની પ્રાપ્તિ થઇ હતી. તેનું નામ કેશવ રાખવામાં આવ્યું હતું. આ રીતે શ્રીલક્ષ્મણ ભટ્ટજીને રામકૃષ્ણ, વલ્લભાચાર્ય અને કેશવ નામના ત્રણ પુત્રો તથા સરસ્વતી અને સુભદ્રા નામની એ કન્યાઓ મળી પાંચ સંતાન થયાં હતાં.

બાળપણમાં આપ હાથી, ઘોડા, ઘુઘરા, ચકરડી જેવાં રમકડાંઓથી રમવાને બદલે કૃષ્ણની મૂર્તિ  અને પિતાના પુસ્તકની પોથી સાથે જ રમતા. એક દિવસ આપ માતાના ખોળામાં સૂતા હતાં, ત્યારે માતાને વ્રજયાત્રા કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. શ્રીવલ્લભે બગાસું ખાઇને આપશ્રી ખુલ્લા મુખમાં વ્રજચોર્યાસી કોશનાં દર્શન માતાને કરાવ્યાં. માતાને આશ્ચર્ય થયું. પુત્રના લક્ષણ પારણામાંથી.

આપ થોડા મોટા થયા, ત્યારે તેમની ઉંમરના બીજા બાળકોને ભણાવતા આપ પિતા વેદના મંત્રો બોલે ત્યારે તેઓ જુદા જુદા સંકેતોથી તે મંત્રોના અર્થ બતાવતા. તેમના પિતા સાથે ધર્મચર્ચા કરવા ઘણા વિદ્વાનો આવતા. કોઈ  પ્રશ્નનો સુંદર અને સચોટ જવાબ આપતા. આથી કાશીના વિદ્વાનો આપશ્રીને બાલસરસ્વતી અને વાકપતિ કહીને માનપૂર્વક બોલાવતા. 


આપશ્રીને ત્યાં સુંદર ગાય હતી. તેનું નામ પયોદા હતું. તે શ્રીવલ્લભને અતિપ્રિય હતી. એક દિવસ તે અચેતન બનીને જમીન ઉપર ઢળી પડી શ્રીવલ્લભ ત્યાં પહોંચી ગયા. આપશ્રીએ ગાયના વાંસે પોતાનો હાથ ફેરવીને કહ્યુંઃ પયોદા,ઉઠો. ગાય તરત જ ઊભી થઇ ગઇ. બધાં આશ્ચર્ય પામ્યાં. આપશ્રી પડોશમાં એક ઢાઢી કુટુંબ રહેતું હતું. જે લાકો પોતાના યજમાનનાં ગુણગાન ગાય, તે ઢાઢી કહેવાય, શુદ્ર ગણવામાં આવતા તે કુટુંબમાં સગુણદાસ નામનો શ્રીવલ્લભની ઉંમરનો એક બાળક હતો. શ્રીવલ્લભ રોજ તેની સાથે રમતાં.એક દિવસ શ્રીવલ્લભને તેમના પિતાએ કહ્યું કેઃ આપણે બ્રાહ્મણ છીએ, સગુણદાસનું કુટુંબ શૂદ્ર છે.તેની સાથે તમે રમશો નહિ. શ્રીવલ્લભે જવાબ આપ્યો : તમે દરરોજ શ્રીભાગવતનો પાઠ કરો છો. તેમાં એક શ્લોક આવે છે કેભગવાનની ભક્તિ કરવાનો બ્રાહ્મણ, શુદ્ર અને સ્ત્રીને સરખો અધિકાર છે. ભગવાનની નજરમાં ઊંચનીચના ભેદ નથી. છતાં તમે જેમ કહો તેમ કરું. આ સાંભળી તેમના પિતા ચૂપ થઇ ગયા.

ઇ.સ.૧૪૮૬ કાં.ઈ/શ્રીવલ્લભદિગ્વિજયમાં (સંવત ૧૫૪૩માં) શ્રી વલ્લભને આઠ વર્ષ થતાં.રામનવમીના દિવસે તેમનો કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. પિતાએ તેમને ગાયત્રીમંત્ર અને ગોપાલમંત્રની દીક્ષા આપી. ત્રણ માસ સુધી પિતાએ તેમને વિદ્યાભ્યાસ કરાવ્યો. પછી કાશીના જુદા જુદા વિદ્વાનોની પાઠશાળામાં તેમને વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા. પાંચ જ વર્ષમાં આપશ્રીએ ચાર વેદ,ઉપનિષદો અને છ દર્શનનો અભ્યાસ કર્યો. પુરાણ, ઇતિહાસ તથા કાવ્યશાસ્ત્રના ગ્રંથો તો અન્ય વિદ્યાર્થીઓના સહવાસથી જ તેમણે જાણી લીધા. અભ્યાસ દરમ્યાન આપે સૌને પોતાની તેજસ્વી બુદ્ધિ અને પ્રતાપી વાક્શક્તિનો અનુભવ કરાવ્યો. અભ્યાસ દરમ્યાન જ તેમણે તેમનો બ્રહ્મવાદનો સિદ્ધાંત નક્કી કરી લીધો. ફુરસદના સમયમાં આપ આપના ગુરુ અને અન્ય  વિદ્યાર્થીઓને આ સિદ્ધાંત સમજાવતા હતા. તેમના ગુરુ તેમના પર ઘણા પ્રસન્ન હતા. દસ વર્ષની વયમાં તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું.




 



ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ