મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૫)


શ્રીવલ્લભનો પરિવાર :

ત્રીજી ભારતયાત્રા પછી શ્રીવલ્લભે સ્થિરવાસ કર્યો. અલ્હાબાદ પાસે ગંગા-યમુના સંગમ-સ્થાનની નજીક ઊંચી ટેકરી જેવો વનપ્રદેશ હતો. કુદરતી સૌંદર્યથી શોભતી એ ભૂમિ દિવ્ય, એકાંત અને શાંત હતી. ત્યાં અડેલ નામનું રમણીય સ્થાન હતું. ત્યાં ઝૂંપડી બાંધી શ્રીવલ્લભે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી. ત્યારે તેમની વય એકત્રીસ વર્ષની હતી.એક દિવસ તેમનાં વહુજી શ્રીમહાલક્ષ્મીજીએ કહ્યું હમણાં થોડા દિવસથી હું સેવા કરું છું, ત્યારે શ્રીઠાકોરજી મારી સામે જોઇ મંદ હાસ્ય કરે છે, અને પછી શરમાઇ જઇ નીચી નજર કરે છે. આવું કેમ કરતા હશે?

શ્રીમહાપ્રભુજીએ કહ્યું : આપણા ઉપર નજીકના ભવિષ્યમાં શ્રીઠાકોરજી કૃપા કરવાના છે, તેનો આ શુભ સંકેત છે, તમારી કુખે શ્રીઠાકોરજી પ્રગટ થશે. આ જાણી શ્રીમહાલક્ષ્મીજી ઘણાં પ્રસન્ન થયાં.

ત્યારબાદ ઈ.સ.૧૫૧૦ ના ભાદરવા વદ બારસના શુભ દિવસે અડેલમાં શ્રીવલ્લભને ત્યાં પ્રથમ લાલનું પ્રાગટ્ય થયું. સૌના હ્રદયમાં કૃષ્ણજન્મોત્સવનો આનંદ છવાઇ ગયો. સૌને એમ જ લાગ્યું, કે જેમ શ્રીનંદરાયજીને ત્યાં પહેલાં શ્રીબળદેવજી પધાર્યા, તેમ અહીં પણ શ્રીપ્રભુ પધાર્યા છે.

શ્રીમહાપ્રભુજીએ આ પુત્રનું નામ શ્રીગોપીનાથજી પાડ્યું . ત્યારબાદ પાંચ વર્ષ પછી ઇ.સ. ૧૫૧૫ માગશર વદ નોમના શુભ દિને ચરણાઘાટમાં બીજા લાલ શ્રીવિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું, તે દિવસે એક બ્રાહ્મણ ભગવાન શ્રીવિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઇ શ્રીવલ્લભ પાસે આવ્યો, અને તે સ્વરૂપ શ્રીવલ્લભને આપ્યું. શ્રીવલ્લભે કહ્યું કેઃ આજે મારા ત્યાં ભગવાન અને ભક્ત બંને એક સાથે પધાર્યા છે. આમ, શ્રીવલ્લભને બે લાલ હતા.

બાળપણ :

શ્રીગોપીનાથજી ચાર વર્ષના થયા, ત્યારે આપને લઇ શ્રીવલ્લભ સપરિવાર વ્રજમાં પધાર્યા. ત્યાં શ્રીનાથજીનાં દર્શન અને ચરણસ્પર્શ શ્રીગોપીનાથજીને કરાવ્યાં. પછી અડેલ પાછા આવી, ત્રણ સોમયજ્ઞ કર્યા.

શ્રીગોપીનાથજીની ઉંમર પાંચ વર્ષની થઇ. ઇ.સ.૧૫૧૬માં કાશી મુકામે તેમના યજ્ઞોપવિત સંસ્કાર થયા. ત્યારબાદ શ્રીવલ્લભે આપને વિદ્યાભ્યાસ કરાવવાની શરૂઆત કરી. કાશીના વિદ્વાન અધ્યાપકો પાસે શ્રીગોપીનાથજીનો વિદ્યાભ્યાસ થયો. આપ શાસ્ત્રોના પ્રખર વિદ્વાન થયા. શ્રીગોપીનાથજીને શ્રીભાગવતજી માટે વિશેષ માન હતું.

બાળપણથી જ શ્રીગોપીનાથજી ઉપર શ્રીમહાપ્રભુજીના જીવનનો સવિશેષ પ્રભાવ પડ્યો હતો. નાની ઉંમરથીજ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કઠોર તપવાળું સંયમી જીવન તેઓ જીવતા, બાળપણથી જ સૂર્યોદય પહેલા ઉઠી જતાં સ્નાન કરીને, ભગવદ્ સ્મરણ કરવા બેસી જતા. આપની ઊમરનાં બીજા બાળકો રમવામાં રસ લેતાં, ત્યારે આપ સેવા, સ્વાધ્યાય અને સ્મરણમાં રસ લેતા હતા.

એક વખત શિયાળામાં પાછલી રાતે શ્રીગોપીનાથજીએ આપના પિતા શ્રીમહાપ્રભુજીને સ્નાન કરી સેવામાં પધારેલા જોયા. તેથી આપ પણ ઝડપથી સ્નાન કરી સેવામાં પહોંચ્યા. શ્રીગોપીનાથજીને આટલા વહેલા જાગી સેવામાં આવેલા જોઇને શ્રીમહાપ્રભુજીને આનંદ થયો. આપે શ્રીગોપીનાથજીને આજ્ઞા કરી: ઠાકોરજીને જગાવો. શ્રીગોપીનાથજી મંદિરના દ્વાર પાસે ગયા. આપે દંડવત કરી દ્વાર ખોલ્યાં. મંદિરમાં શ્રીઠાકોરજી ગાઢ નિદ્રાવશ હતા. આપને મૂંઝવણ થઇ કે શ્રીઠાકોરજીને કેવી રીતે જગાડવા? આપને વિચાર આવ્યો કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શ્રીઠાકોરજીને સૂર્યોદય પહેલાં જગાડવા જોઇએ, કારણ કે સૂર્યોદય પછી ઉંઘવું, શાસ્ત્રસંમત નથી. બીજુ શ્રીઠાકોરજી, શ્રીયશોદાજીના નાના બાળક છે. તેમને પરિશ્રમ ન થવો જોઇએ.

આપ શ્રીમહાપ્રભુજી પાસે ગયા, અને બધી હકીકત કહી. શ્રીમહાપ્રભુજીએ જેમ આજ્ઞા કરી તેમ શ્રીગોપીનાથજીએ કર્યું. આપે સંસ્કૃતમાં એક શ્લોકથી વિનંતી કરીઃ હે પ્રભુ! હવે સવિતાનારયણ ઉદય પામશે આપ કૃપા કરી જાગો, મારી સેવા અંગીકાર કરો. મને આપનો જાણી સ્વીકારો. આમ કરતાં શ્રીઠાકોરજી જાગ્યા. શ્રીગોપીનાથજીને આનંદ થયો. શાસ્ત્રની મર્યાદા સચવાઇ. શ્રીઠાકોરજીને પણ પરિશ્રમ ન થયો.

એક દિવસ અડેલમાં શ્રીમહાપ્રભુજી યમુનાકિનારે સાંજે સંધ્યાવંદન કરવા બિરાજ્યા હતા. દસેક વર્ષની ઉંમરના શ્રીગોપીનાથજી પણ ત્યાં સંધ્યાવંદન કરી રહ્યા હતા. એટલામાં કનોજથી મોટી નાવ લઇને વૈષ્ણવો આવ્યા. તેમણે વિનંતી કરીઃ મહારાજ, કનોજના શેઠ દામોદરદાસ સંભરવાળાના ત્યાં બિરાજતા શ્રીદ્વારકાધીશ પ્રભુ પધાર્યા છે. શ્રીઠાકોરજીની બધી સંપત્તિ પણ સાથે જ છે. આ સાંભળીને શ્રીગોપીનાથજીએ પ્રસન્નતાથી કહ્યું : ઓહો! શ્રીદ્વારકાધીશ પ્રભુ લક્ષ્મીજીની સાથે પધાર્યા! આ સાંભળી શ્રીમહાપ્રભુજી એ પૂછ્યું : આપનું ચિત્ત શ્રીઠાકોરજીની સંપત્તિમાં તો નથી ગયું? શ્રીગોપીનાથજીએ કહ્યુ બિલકુલ નહીં. થોડાક વખત પહેલાં આપ કનોજ પધાર્યા હતા, ત્યારે હું પણ સાથે આવ્યો હતો. દામોદરદાસજી અને તેમનાં પત્ની ઘણા ભાવથી સેવા કરતાં હતાં. શ્રીઠાકોરજીનું સ્વરૂપ અદ્ભુત હતું. તેમની સેવા કરવાનો ભાવ મારા હ્રદયમાં ઉછળે છે. આપનો પુત્ર બન્યા પછી મારું મન નારાયણને છોડી ચંચળ લક્ષ્મીમાં ન જાય, ચંચળ લક્ષ્મીમાં મારું મન જાય, તેવું શું આપ માનો છો? શ્રીમહાપ્રભુજીએ કહ્યું: તમને ધન્ય છે. પરંતુ હંમેશાં એટલું યાદ રાખજો, કે મારો વંશજ અથવા મારો વૈષ્ણવ શ્રીઠાકોરજીના દ્રવ્યમાં મનને લોભાવશે, તો તે કદી સુખી થઇ શકશે નહીં. લૌકિક સુખ મેળવવા શ્રીઠાકોરજીની સેવા કરનારનું જીવન સુખમય બનતું નથી, ક્લેશમય બને છે.

એક વખત શ્રીમહાપ્રભુજી અડેલમાં બિરાજતા હતા. શ્રીગોપીનાથજી ચૌદ વર્ષના હતા. આપને વિચાર થયો કે પિતાજીની જેમ હું પણ દરરોજ નિયમપૂર્વક શ્રીભાગવતજીનો પાઠ કરું. આપે પૂરા શ્રીભાગવતજીના અઢાર હજાર શ્લોકોનો પાઠ કર્યા પછી જ ભોજન કરવાનો સંકલ્પ કર્યો. તે પ્રમાણે પાઠ શરૂ કર્યો.
આપના નાના ભાઈ શ્રીગુસાંઇજી ત્યારે દસેક વર્ષના હતા. આપે વિચાર કર્યો કે શ્રીભાગવતજીનો આખો પાઠ કરતાં ઘણો સમય લાગે, ત્યાં સુધી હું ભૂખ્યો-તરસ્યો રહી શકું નહીં. તેથી તેમણે નેવું અધ્યાયના દશમ સ્કંધ પાઠ કર્યા પછી ભોજન કરવાનો સંકલ્પ કર્યો.

બંને ભાઇ પાઠ કરવા બિરાજ્યા. આપનાં માતાને આનંદ થયો. ભોજનનો સમય થતાં એક પણ ભાઇ પાઠ અધૂરો મૂકી ભોજન કરવા ન ઊઠ્યા. બંને દ્રઢનિશ્ચયી હતા. પાઠ કરવામાં બે-ત્રણ દિવસ વીતી ગયા. ઘરમાં કોઇએ ત્યાં સુધી ભોજન ન કર્યું. શ્રીમહાપ્રભુજી પાછા પધાર્યા. આપે બધી હકીકત જાણી. બંને પુત્રોનો શ્રીભાગવતજી માટેનો આવો આગ્રહ અને આદર જોઈ આપ પ્રસન્ન થયા.

આપે વિચાર કર્યો કે શ્રીભાગવતજીનો પાઠ કરવામાં ઘણો સમય લાગે. પૂરો દિવસ તેમાં જ પસાર થાય. શ્રીઠાકોરજીની સેવા અને બીજાં કાર્યસમયસર ન થાય, માટે કઈક રસ્તો કાઢવો જોઈએ, આપે સમગ્ર શ્રીભાગવતમાંથી પ્રભુની બધી લીલાઓનું નિરૂપણ કરતાં, એક હજારથી વધુ નામો તારવી 'શ્રીપુરુષોત્તમસહસ્રનામ' ગ્રંથની રચના કરી તેના અંતમાં શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી કેઃ આ પાઠનું પઠન કરવાથી સમગ્ર શ્રીભાગવતના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે.

એ જ રીતે શ્રીગુસાંઈજી માટે આપે દશમ સ્કંધની લીલાઓના ત્રણ વિભાગ કરી ત્રિવિધ નામાવલી નામનો ગ્રંથ લખ્યો. શ્રીઠાકોરજીની લીલાઓને બાલલીલા, પ્રૌઢલીલા અને રાજલીલા એમ ત્રણ વિભાગમાં વહેંચી, આશરે ચારસો નામ પ્રગટ કર્યાં. તે ગ્રંથના અંતે શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી કેઃ બાલલીલાનાં નામોનો પાઠ કરવાથી પ્રભુમાં પ્રેમ થશે, પ્રૌઢલીલાનાં નામોના પાઠ કરવાથી પ્રભુમાં આસક્તિ થશે, રાજલીલાનાં નામોના પાઠથી પ્રભુમાં વ્યસન થશે. શ્રીમહાપ્રભુજીએ શ્રીગોપીનાથજી અને શ્રીગુસાંઇજીને બોલાવી આ ગ્રંથો આપ્યા, અને તેમનો પાઠ કરવાની આજ્ઞા કરી.

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ